વડોદરામાં અમદાવાદ કરતા વધુ રોગચાળો ફેલાયો છે. ચિકનગુનિયાના સત્તાવાર 266 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધી ડેન્ગ્યુના 445 અને મેલેરિયાના 51 કેસ નોંધાયા છે. પાણીજન્ય ઝાડા-ઉલટી અને કોલેરાના કેસોના વાવર બાદ છેલ્લા ત્રણેક અઠવાડિયાથી મચ્છરજન્ય રોગના કેસો સતત આવી રહ્યાં છે. વિવિધ વિસ્તારોમાં હજી સુધી ચિકનગુનિયાના 266 સત્તાવાર કેસ આવી ચૂક્યા છે.
તેની સરખામણીમાં અમદાવાદમાં 205 કેસ હોવાનું નેશનલ ડીસીઝ કંટ્રોલના રિપોર્ટમાં દર્શાવાયું છે. ગુરુવારે શહેરમાં ડેન્ગ્યૂના 28 અને ચિકનગુનિયાના 15 નવા કેસ નોંધાયા હતા. તેમજ વાયરલ અને ટાઇફોઇડના 3-3 કેસ મળ્યા હતા.જ્યારે આ વર્ષે 445 લોકોને ડેન્ગ્યૂ થયો છે. જ્યારે ગત વર્ષે આખા વર્ષ દરમિયાન માત્ર 231 કેસ જ આવ્યાં હતા.
મેલેરિયાના 51 કેસ આવી ચૂક્યાં છે. અમદાવાદ શહેરની હદમાં 25મી ઓગસ્ટ સુધીમાં ચિકનગુનિયાના 205 કેસ આવ્યા છે જે વડોદરા કરતા ઓછા છે. મચ્છરોના નવા ઉત્પતિસ્થાનોને અટકાવવામાં પાલિકાનું તંત્ર નાપાસ પૂરવાર થઇ રહ્યું છે. 2019માં વડોદરામાં ડેન્ગ્યૂના 1,247 કેસ નોંધાયા હતા.
વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાદળછાયું વાતાવરણ રહે છે. સાથેસાથે દિવસ અને રાતમાં બબ્બે સિઝનનો અનુભવ થઇ રહ્યો છે. જેથી શહેરમાં રોગચાળો વકર્યો છે. સાથે જ શહેરમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. ત્યારે આરોગ્ય તંત્રની કામગીરીને લઇને શહેરીજનો અનેક સવાલો ઉઠાવી રહ્યાં છે. જો રોગચાળો કાબુમાં નહીં આવે તો ઘરેઘરે માંદગીના ખાટલા જોવા મળે તો નવાઇ નહીં.
આ પણ વાંચો : Rajkot : વેગડી ગામના ખેડૂતોના આપઘાતના પડઘા પડયા, GPCBએ ચાર કારખાનાને બંધ કરવા આદેશ કર્યો