Vadodara : નવાપુરામાં 15 દિવસથી દૂષિત પાણી આવતા સ્થાનિકો પરેશાન, અનેક રજુઆતો છતાં તંત્ર નિંદ્રાધીન

|

Sep 07, 2021 | 1:18 PM

નવાપુરા વિસ્તારમાં આવેલા રબારી વાસ, અન્સારી મહોલ્લો, ગોયા ગેટ, રાજેશ્વર સોસાયટી સહિતના સમગ્ર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે.

વડોદરાના નવાપુરા અને માંડવી ચાર દરવાજા વિસ્તારમાં 15 દિવસથી દૂષિત પાણી આવી રહ્યું હોવાની રાવ ઉઠી છે. 25 હજારથી વધુ લોકોને કાળા પાણીની સજા સાથે રોગચાળાનો ભીતિ સતાવી રહી છે. તથા શહેરના મધ્યમાં આવેલા જમનાબાઇ સહિતના વિસ્તારોમાં પણ દુર્ગંધ મારતા પાણીની સમસ્યા છે અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જે મામલે વોર્ડ નંબર 13 ના ભાજપના કાઉન્સિલરે તંત્રના અધિકારીઓ કોઇ કામગીરી કરતાં ન હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ સમગ્ર મામલે સ્થાનિકોએ મ્યુ. કમિશ્નરને રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિકાલ આવ્યો ન હતો. ત્યારે નવાપુરા વિસ્તારમાં ગટરોના પાણીની સમસ્યા વચ્ચે તંત્ર નિદ્રાધીન હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે.

નવાપુરા વિસ્તારમાં આવેલા રબારી વાસ, અન્સારી મહોલ્લો, ગોયા ગેટ, રાજેશ્વર સોસાયટી સહિતના સમગ્ર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. જેથી ભાજપના કાઉન્સિલર જાગૃતિબેન કાકાને રહીશોએ ફરીયાદ કરી હતી. કાઉન્સિલરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી અધિકારીઓને ફરિયાદ કરી રહી છું. તેમ છતાં કોઇ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી.

નવાયાર્ડ વિસ્તારમાં પણ ગટરો ઉભરવાની સમસ્યા યથાવત છે. જેના પગલે રોગચાળાએ માથું ઉચકયું છે. કાઉન્સિલર જહા ભરવાડે જણાવ્યું હતું કે જૂની રામવાડી, નવી રામવાડી, રમણીકલાલની ચાલ તથા ટીપી 13 માં આવેલા રાજીવનગર, જાદવનગર,ગાંધી પાર્ક વિસ્તારમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા તથા પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. અધિકારીઓને મચ્છરોના ત્રાસથી છૂટકારો મળે તે માટે કામગીરી કરવા રજૂઆતો કરી છે.

Next Video