મુંબઈ વડોદરા(Mumbai Vadodara Expressway)એક્સપ્રેસ હાઈવે ઉપર સોનાની લગડી જેવી કિંમતી જમીન સરકારે હસ્તગત કરી લીધા બાદ હાઈકોર્ટનો(Highcourt)આદેશ હોવા છતાં પણ ફેક્ટર-2 મુજબની વળતરની (Compentation)રકમ ચૂકવવામાં વડોદરા જિલ્લા જમીન સંપાદન અધિકારીની કચેરી દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટરને રૂબરૂ મળી ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.વડોદરાના પાદરા તાલુકાના સોખડાખુર્દ તથા આસપાસના ગામોના ખેડૂતો જિલ્લા કલેકટર કચેરી ખાતે રજુઆત માટે પહોંચ્યા હતા જેઓની સોનાની લગડી જેવી કિંમતી જમીન મુંબઇ વડોદરા એક્સપ્રેસ હાઇવે બનાવવા માટે સરકાર દ્વારા સંપાદિત કરવાંમાં આવી હતી,કરોડો ની કિંમત ની જમીન નું વળતર ફેક્ટર-1 મુજબ ચુકવવામાં આવ્યું હતું જેનો વિરોધ કરી ખેડૂતો દ્વારા હાઇકોર્ટ માં પિટિશન દાખલ કરી અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
આ પિટિશન ની લંબાણપૂર્વક સુનાવણી બાદ હાઇકોર્ટ દ્વારા ફેક્ટર-2 મુજબ ખેડુતોને વળતર ચૂકવવા આદેશ કર્યો,પરંતુ વડોદરા જિલ્લા જમીન સંપાદન અધિકારી ની કચેરી દ્વારા ખેડૂતો ને વળતર ચુકવવામાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ખેડૂતો વતી કેસ લડી રહેલ એડવોકેટ પ્રતીક શાહ દ્વારા કરવામાં આવ્યો છે.
સોખડા ખુર્દ ગામના વયોવૃદ્ધ ખેડૂત મનુભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલ વળતર ચુકવણી ના આદેશને 5 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં વળતર ચુકવવામાં આવતું નથી ,ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વડોદરા જિલ્લા ના કોઠી કચેરી સ્થિત જમીન સંપાદન અધિકારી ની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરી નવા નવા નિયમો ઉભા કરી સમય પસાર કરે છે.પહેલા નવા નવા દસ્તાવેજો અને સાત બાર ની નકલ ના ઉતારા માંગ્યા,પછી તમામ ખેડૂતો નું સંયુક્ત બેન્ક ખાતું બનાવી ને લાવવા માટે કહેવામાં આવ્યું, જે તે ખેડૂત ને તેની રકમ તેના બેન્ક એકાઉન્ટ માં જમા કરાવી શકાય છે છતાં તમામ ખેડૂતો નું નવું સંયુક્ત બેન્ક એકાઉન્ટ ખોલાવી લાવવા ગેર વ્યાજબી રીતે અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે.
અન્ય એક ખેડૂત કેતન પટેલે જણાવ્યું કે પાદરા અને વડોદરા તાલુકા ના 800 થી વધુ ખેડૂતોને વડોદરા જમીન સંપાદન અધિકારી ની કચેરી દ્વારા આ રીતે હેરાન ગતિ કરવામાં આવી રહી છે જેને કારણે ખેડૂતો પરેશાન થઈ ચુકયા છે,જમીન સંપાદન અધિકારી ની કચેરી ખાતે કલાકો સુધી બેસાડી રાખવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે
સોખડા ખુર્દ ગામના યુવાન ખેડૂત પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે ઘર અને ખેતર ના કામો માંથી માંડ માંડ સમય કાઢીએ છતાં સવાર થી સાંજ સુધી બેસાડી રાખ્યા બાદ પણ વળતર ચૂકવવા માટે ની ફાઇલ આગળ વધારવામાં આવતી નથી. વડોદરા જિલ્લા જમીન સંપાદન અધિકારી ની કચેરી ના ખોરી દાનત ધરાવતા આળસુ સ્ટાફ થી કંટાળી ને ખેડુતો ના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેકટરને રૂબરૂ મળી ઉગ્ર રજુઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું, અને વહેલી તકે વળતર ચૂકવવા આદેશ કરવા માંગ કરી હતી.
ખેડૂતો ના આક્ષેપ અંગે વડોદરા જિલ્લા જમીન સંપાદન અધિકારી ની કચેરી ના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ કચેરી માં ઉપલબ્ધ હતા નહીં,સંબંધિત તમામ અધિકારીઓ,કર્મચારીઓ હાઇકોર્ટમાં હોવાનો જવાબ હાજર સ્ટાફ દ્વારા આપવામાં આવ્યો,વડોદરા જમીન સંપાદન કચેરી ના અધિકારીઓ ની આડોડાઈથી કંટાળી કેટલાક ખેડૂતો દ્વારા હાઇકોર્ટ માં કંટેમ્પટ પિટિશન ફાઇલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Kheda : વડતાલમાં આચાર્ય પદ પર રાકેશપ્રસાદ મહારાજનો 20માં વર્ષમાં પ્રવેશ, ભાવવંદના કાર્યક્રમ યોજાયો
આ પણ વાંચો : ગુજરાત સરકાર લઘુત્તમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખરીદી શરૂ કરશે
Published On - 7:04 pm, Mon, 31 January 22