vadodara: વડોદરાનો અટલ બ્રિજ ફરી વિવાદમાં આવ્યો છે. શહેરના સૌથી લાંબા ફ્લાય ઓવર અટલ બ્રિજમાં તિરાડ સામે આવી છે. અટલ બ્રિજના જોઈન્ટના ક્રોંક્રિટનો ભાગ ઉદ્દઘાટનના માત્ર 6 મહિનામાં જ નીચે પડતા બ્રિજની ગુણવત્તાને લઈને સવાલ ઉઠ્યા છે. આ પ્રથમવાર નથી. 25 ડિસેમ્બર 2022ના રોજ વડોદરામાં 3.5 કિલોમીટરના ફ્લાયઓવર અટલ બ્રિજનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. 230 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ નિર્માણ પામ્યો છે ત્યારથી કોઈને કોઈ વિવાદમાં રહ્યો છે.
ફરી એકવાર આ બ્રિજ વિવાદમાં આવ્યો છે. આ વખતે બ્રિજના જોઈન્ટમાંથી ક્રોક્રિટનો એક ભાગ તૂટી પડવાની ઘટના બની છે. શહેરના યોગા સર્કલ પાસે બ્રિજના જોઈન્ટનો ક્રોક્રિટનો એક ભાગ તૂટીને નીચેથી પસાર થતી કાર પર પડ્યો છે. એ સાથે જ મનપાના ઈજનેરોની ટીમ દોડતી થઈ છે. મનપાના ઈજનેરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ ઘટના પહેલા અટલ બ્રિજનો ડામર નીકળી ગયો હતો. બાદમાં બ્રિજની દીવાલ પર તિરાડ પડી ગઈ હતી. હવે બ્રિજના જોઈન્ટના કોંક્રિટ તૂટી ગયો છે. ત્યારે વિપક્ષ નેતાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરવા માગ કરી છે. સાથે જ બ્રિજના સ્ટ્રક્ચર, જોઈન્ટની ઈન્ટીગ્રીટી સહિતના પાસાઓના ચકાસણી કરવાની પણ માગ કરી છે. આ બ્રિજના સ્ટ્રક્ચરનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ જાહેર કરવા વિપક્ષે માગ કરી છે. સાથે જ બ્રિજની મજબુતી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. બ્રિજની જોઈન્ટની ઈન્ટીગ્રીટીની તપાસની માગ કરી છે. વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે બ્રિજની ડિઝાઈન યોગ્ય છે કે નહી તેની ચકાસણી થાય. અન્ય સ્થળે પણ જોઈન્ટના કોંક્રીટ ખરવાની શક્યતા છે કે નહીં ? ઉપરાંત બ્રિજની સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ પણ જાહેર કરવામાંની વિપક્ષે માગ કરી છે.
આ પણ વાંચો : Vadodara : વાઘોડિયા વિસ્તારમાં મસમોટા ખાડામાં રિક્ષા ખાબકી, કોર્પોરેશનની કામગીરી સામે ઉઠ્યા સવાલ, જૂઓ Video
અટલ બ્રિજના જોઇન્ટના કોંક્રિટનો ભાગ તૂટતાં પાલિકાએ બ્રિજ બનાવનાર રણજીત બિલ્ડકોન કંપનીને નોટિસ આપી છે. પાલિકાએ કોન્ટ્રાકટર પાસેથી ખુલાસો પણ માગ્યો છે. આ અંગે જો કોઈ બેદરકારી સામે આવશે તો કંપની સામે કાર્યવાહીની બાંહેધરી પણ મેયરે આપી છે. જોકે મહત્વની વાત છે કે અટલ બ્રિજ હવે વિવાદી બ્રિજ બની ગયો છે, કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ વારેવારે કોન્ટ્રાકટરને છાવરે છે, જેના કારણે પાલિકાની છબી પણ ખરડાઈ રહી છે. ત્યારે અટલ બ્રિજ ભવિષ્યમાં વધુ જોખમી સાબિત થાય તો નવાઈ નહીં.
Input Credit- Yunus Gazi- Vadodara
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:07 pm, Fri, 7 July 23