વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવતા તે ખુદ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. 45 વર્ષિય મહિલાએ કથિત તાંત્રિક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જે કેફિયત દર્શાવી છે તેના કારણે તેની સામે પણ સવાલ ઉઠ્યા છે. જો કે મહિલાની ફરિયાદ બાદ ગોત્રી પોલીસે લાંબી મથામણ અને ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ બાદ IPC 376-2-N મુજબ FIR તો નોંધી લીધી છે, પરંતુ ફરિયાદી મહિલાએ આરોપી તાંત્રિકને પોતાના પતિ તરીકે બતાવ્યો છે.
મહિલાએ કથિત તાંત્રિક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જો કે મહિલાના જણાવ્યા મુજબ કથિત તાંત્રિક અને તેની વચ્ચે વર્ષ 2020માં સંબંધો હતા. ત્યારે હાલ દુષ્કર્મની નોબત કેમ આવી તે પણ સવાલ ઉપજે છે. આવા અનેક સવાલોને કારણે મામલો વધુ પેચીદો અને વિવાદાસ્પદ બન્યો છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યુ છે કે કથિત તાંત્રિકની ઉમર 25 વર્ષ છે જ્યારે મહિલાની ઉમર 45 વર્ષ છે અને બંને વચ્ચે 2020માં સંબંધો હતા.
બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલા ભરૂચમાં રહેતા પારિવારિક પરિચિત થકી વર્ષ 2020માં પાલીતાણાના તાંત્રિક કશ્યપ રામાનુજ થકી સંપર્કમાં આવી હતી. મહિલાની હસ્ત રેખાઓ જોઈ તેની આર્થિક સંકડામણ દૂર કરવાની ખાત્રી આપી વિધિની શરૂઆત કરી હતી. મહિલાને વિધિમાં બેસાડી મહિલાના પતિને બહાર જવાનું કહ્યું હતું. બાદમાં આરોપીએ વિધિના નામે મહિલાને કપડા કઢાવ્યા અને ત્યારબાદ તાંત્રિકે મહિલા સાથે ત્રણ વખત શરીર સંબધ બાંધ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે, કે વર્ષ 2020થી બંને સાથે જ રહેતા હતા અને બંને વચ્ચે આર્થિક લેવડ દેવડ મુદ્દે વિવાદ શરૂ થયો હતો. થોડા દિવસ પહેલા મહિલા પાણીગેટ પોલીસ મથકે ગઈ હતી, ત્યાં તેના કથિત તાંત્રિક પતિ કશ્યપ સામે આક્ષેપ કર્યો હતો કે, ભાઈના નામે 1 લાખ 60 હજારની લોન લીધી તેની ભરપાઈ કરતો નથી. અન્ય બે વ્યક્તિઓ એ પણ આવો આક્ષેપ લગાવ્યા છે. ફરિયાદી મહિલાએ તેની પાસે કેટલીક રકમ માગી હોવાનું પોલીસને જણાવ્યુ્ં હતું.
તાંત્રિક કશ્યપ રામાનુજને ગોત્રી પોલીસે બે દિવસ પૂર્વજ તાંત્રિક કશ્યપ રામાનુજને બોલાવ્યો હતો અને પ્રાથમિક પૂછપરછ કરી હતી. ગઈકાલે વિધિવત રીતે ગુનો નોંધાયા બાદ તેની અટકાયત કરી તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફરિયાદી મહિલાનું પણ તબીબી પરીક્ષણ કરાવામાં આવ્યું હતું. તાંત્રિક કશ્યપનો કોવિડ રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…