વડોદરા સ્થિત નારી સંરક્ષણ ગૃહના આંગણે ઢોલ ઢબુક્યા, બે દીકરીઓને સાસરે વળાવી

આ લગ્ન પ્રસંગે કલાકારોએ સંગીત કાર્યક્રમમાં લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી, નારી સંરક્ષણ ગૃહના આંગણે યોજાયેલ આ લગ્નપ્રસંગમાં સંસ્થાની યુવતીઓ હોંશેહોંશે જોડાઇ હતી

વડોદરા સ્થિત નારી સંરક્ષણ ગૃહના આંગણે ઢોલ ઢબુક્યા, બે દીકરીઓને સાસરે વળાવી
વડોદરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં બે દીકરીઓના લગ્ન કરાયાં
| Edited By: | Updated on: Feb 22, 2022 | 4:02 PM

વડોદરાના નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહની દીકરીઓ શીતલ અને વંદનાનો આજે લગ્નનો પ્રસંગ યોજાયો હતો. મહિલા અને બાળ કલ્યાણ રાજય મંત્રી મનિષાબેન વકીલે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી યુવતીઓ અને તેના પરિવારજનો સાથે વાતચીત કરી તેમના પરિવારનો હિસ્સો હોવાની અનુભૂતિ કરાવી હતી. આ લગ્ન પ્રસંગે કલાકારોએ સંગીત કાર્યક્રમમાં લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી. નારી સંરક્ષણ ગૃહના આંગણે યોજાયેલ આ લગ્નપ્રસંગમાં સંસ્થાની યુવતીઓ હોંશેહોંશે જોડાઇ હતી.

સંસ્થાની યુવતીઓ વરરાજાઓને વિધિસર આવકાર્યા અને કન્યાઓને પરંપરાગત રીતે મંડપ સુધી લાવી તેમને ખાસ અનુભૂતિ કરાવી હતી. મનુષ્ય જીવનમાં જન્મ અને લગ્નનું વિશેષ મહત્વ છે ત્યારે સંસ્થાની દીકરીઓએ પોતાની બહેન અને સખીને તેના સાસરી પક્ષના પરિવારમાં જીવનસાથી સાથે સ્થાયી થવા અને નારી સંરક્ષણ ગૃહ, સંસ્થામાંથી વિદાય એમ બંને ઘટનાઓ એકસાથે બનતી હોય. આ પ્રસંગે દીકરીઓમાં ઉમંગ અને હરખના આંસુ, ખુશીનો માહોલ તથા પોતાની સખીને વિદાય સહિતના પ્રસંગોનો સંગમ જોવા મળ્યો હતો.

દીકરીઓને સ્વીકારનાર પરિવારોએ સમાજમાં નવો રાહ ચીંધ્યો

મહિલા અને બાળ કલ્યાણ રાજય મંત્રી મનિષાબેન વકીલે જણાવ્યું કે, નારી સંરક્ષણ ગૃહની બે દીકરીઓ શીતલ અને વંદના આશરે ત્રણ વર્ષની હતી ત્યારે તે આ સંસ્થામાં આવી હતી અને તેમની વિશેષ કાળજી લેવામાં આવી. તેમની લગ્ન માટેની વય થતાં તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા. જીવનની આ સફરમાં નવા પડાવની શરુઆત કરનાર નવયુગલોને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પણ મંત્રીએ પાઠવી હતી. તેમણે લગ્ન કરનાર શુભમ પવાર અને વિવેક વ્યાસ તથા તેમના પરિવારજનોએ લગ્ન માટે સંસ્થાની દીકરીઓનો સ્વીકાર કરી સમાજમાં નવો રાહ ચીંધ્યો હોવાનું જણાવ્યું.

લગ્નપ્રસંગ માટે દાતાઓનો સહયોગ સાંપડ્યો

કલેકટરશ્રી અતુલ ગોરે કહ્યુ કે, બેટી બચાઓ બેટી પઢાઓ સંકલ્પને સાકાર કરતા આજે નારી સંરક્ષણ ગૃહની બે દીકરીઓ શીતલ અને વંદનાના લગ્નપ્રસંગે દાતાશ્રીઓનો સહયોગ સાંપડ્યો છે. જીવનના નવા પડાવની શરુઆત કરનાર આ બંને દીકરીઓને શુભકામનાઓ તેમણે પાઠવી હતી. નારી સુરક્ષા, અભ્યાસ અને તેમને આત્મનિર્ભર બનાવવાના વધુમાં વધુ કાર્યો થાય તે માટે તેમણે વધુ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

અમે સંસ્થામાં એક સાથે ત્રીસ યુવતીઓ બહેનની માફક રહીએ છીએ

આ પ્રસંગે શીતલ અને વંદનાની સખી કોમલ વાઘેલાએ જણાવ્યું કે, અમે એક રુમમાં સાથે જ રહીએ, સાથે મોટા થયા, સાથે ભણ્યા, હસ્યા, રમ્યા અને સ્વનિર્ભર થવાની જુદી-જુદી તાલીમ લીધી. અમે સંસ્થામાં એક સાથે ત્રીસ યુવતીઓ બહેનની માફક એક પરિવારજનની જેમ રહીએ છીએ. શીતલ, વંદના અને મેં સંસ્થામાં રહી ગ્લાસ મેકિંગની કામગીરી કરી, માસિક જે આવક થતી તે બધી ખાતામાં જમા થતી અને આજે તે બચત સ્વરુપે એ બંને સાસરે વળે છે ત્યારે તેના ભવિષ્ય માટે ઉપયોગી બનશે.

સાસરીમા કેમ રહેવું તે પણ શીખવ્યું છે

નવોઢા શીતલે જણાવ્યું કે, હું નાનેથી મોટી અહીં આ સંસ્થામાં થઇ, પારિવારિક હૂંફ મળી. સંસ્થામાં સર્વગ્રાહી તાલીમ મળી. પગભર થવા વિવિધ વ્યાવસાયિક તાલીમ મળી, તેથી પગભર થવાની મારી ઇચ્છા પૂર્ણ થઇ છે. સંસ્થામાં રહી ગ્લાસ મેકિંગનું કામ કરી હું આત્મનિર્ભર બની. સાસરીએ જતાં પહેલા પરિવારજનોને પોતાના કરવા, કઇ રીતે વર્તવુ, વાતચીત કરવી અને હળીમળી જવાની શીખ અને તાલીમ પણ આ સંસ્થામાંથી મળી છે. શીતલના સ્વામી શુભમ અરુણભાઇ પવાર વડોદરાના ન્યુ વીઆઇપી રોડ ખાતે રહે છે અને તે ખાનગી કંપનીમાં કાર્યરત છે. તેના માતા બ્યુટી પાર્લર અને પિતા ડેરી પાર્લર ચલાવે છે.

સંસ્થામાં દીકરીની જેમ સાચવવામાં આવી

વંદનાના લગ્ન પ્રસંગે વંદનાએ જણાવ્યું કે, સંસ્થામાં દીકરીની જેમ સાચવવામાં આવ્યા છે. પરિવારજનની માફક રહ્યા છીએ, પરિવારિક હૂંફ મળી. અમે માંગ્યું તે મળ્યુ છે. પગભર થવાની તાલીમ મળી. વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખવવામાં આવ્યું છે. વંદનાના ભરથાર વિવેક રોહિતભાઇ વ્યાસ ઉમરેઠ ખાતે રહે છે. તે ખાનગી કંપનીમાં કાર્યરત છે.

આ પણ વાંચોઃ જયરાજસિંહ પરમારનું કોંગ્રેસને બાય બાય, સી.આર.પાટીલની હાજરીમાં ધારણ કરશે કેસરિયો

આ પણ વાંચોઃ Ahmedabad: ઔડાનું વર્ષ 2022-23 માટે રુ. 1210.73 કરોડનુ અંદાજપત્ર રજુ કરાયુ, વોટર કનેક્શન પોલિસી, ઔડામાં આવતા તળાવોના વિકાસની જાહેરાત