ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સોમવારે સવારે એક પ્રેસનોટ પ્રસિદ્ધ કરી વડોદરા જિલ્લા અને ખેડા જિલ્લાના પ્રમુખો દ્વારા સ્વૈચ્છિક રાજીનામુ આપવામાં આવ્યું હોવાની જાહેરાત કરાઈ એ સાથે જ વડોદરામાં અટકળોનો દોર શરૂ થયો કે અશ્વિન પટેલ પછી હવે જિલ્લા ભાજપની કમાન કોને સોંપવામાં આવશે ? અટકળોના મેદાનમાં ચાલતી ચર્ચામાં અનેક નામો હતા જે પૈકી એક નામ હતું સતીષ નિશાળીયાનું હતું.જો કે ગણતરીના કલાકોમાંજ આ અટકળો પર અંત લાવતા પ્રદેશ ભાજપ દ્વારા બીજી પ્રેસનોટ જારી કરી બંને જિલ્લાના નવા પ્રમુખોની જાહેરાત કરી દેવાઈ.
વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખ બનેલા સતીષ પટેલ ઉર્ફે સતીષ નિશાળીયા કરજણના ધારાસભ્ય અને ગાંધારા સુગર ફેકટરીના ચેરમેન રહી ચૂક્યા છે. જિલ્લાના રાજકારણ માં અને સહકારી ક્ષેત્રે આગવી નામના ધરાવતા સતીષ નિશાળીયા ભૂતકાળમાં કેટલાક વિવાદોમાં પણ સપડાયા હતા. સતીષ નિશાળીયાએ ગત વિધાનસભા ચૂંટણી ટાણે બળવો કરી કૉંગ્રેસ માં જવાની તૈયારી કરી લીધી હતી
છેલ્લી વિધાનસભા ચૂંટણી ટાણે કરજણ બેઠક પરથી ટીકીટ નહીં મળતા બળવો કરી અપક્ષ તરીકે લડવાની અને કોંગ્રેસ માં જવાની પણ તૈય્યારી કરી લીધી હતી, પરંતુ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે છેલ્લી ઘડીએ મનાવી લેતા તેઓએ કરજણ બેઠકના ભાજપ ના ઉમેદવાર અક્ષય પટેલ ની ઉમેદવારી સ્વીકારી લીધી હતી, હાલ ભાજપ ના ધારાસભ્ય અક્ષય પટેલ વર્ષ 2017ની ચૂંટણીઓ માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉભા રહી ભાજપના ઉમેદવાર સતીશ નિશાળીયાને હરાવ્યા હતા.
વર્ષ 2020માં કોંગ્રેસ માંથી અને ધારાસભ્ય પદેથી અક્ષય પટેલે રાજીનામુ આપ્યું પેટા ચૂંટણી થઈ અને અક્ષય પટેલ ને ભાજપ દ્વારા ટીકીટ આપવામાં આવતા સતીશ નિશાળીયા દ્વારા જાહેરમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ પાર્ટીનું કમીટમેન્ટ હોવાથી અક્ષય પટેલને જ પેટાચૂંટણીમાં ની ટીકીટ આપવામાં આવી અને તે સમયના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ ની સમગ્ર ટીમે તનતોડ મહેનત કરી અક્ષય પટેલને પુનઃ ધારાસભ્ય બનાવ્યા.
પરંતુ 2022 ની ચૂંટણી માં સતીષ પટેલ કોઈ પણ રીતે માનવા તૈયાર નહોતા વાઘોડિયાના બળવાખોર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલની માફક સતીષ નિશાળીયા એ પણ કરજણ બેઠક કોઈ પણ ભોગે લડવા તમામ તૈયારીઓ કરી લીધી હતી પરંતુ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે બેઠક થઈ, સી આર પાટીલ દ્વારા યોગ્ય સમયે યોગ્ય કદર કરવાનું વચન આપ્યું, સતીષ નિશાળીયા માની ગયા, ચૂંટણીની રેસમાંથી હટી ગયા.સી આર. પાટીલ ની વાત નું માન રાખ્યું તેનું ઇનામ જિલ્લા પ્રમુખ પદ તરીકે મળ્યું.સી આર પાટીલે વચન પાળી બતાવ્યું.
સતીષ નિશાળીયા બરોડા ડેરીના ડિરેકટર પણ છે અને છેલ્લા કેટલાક સમયથી બરોડા ડેરી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના આંદોલનને કારણે સતત વિવાદો અને ચર્ચામાં છે.કેતન ઇનામદારને સાથ મળ્યો છે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો, કેતન ઇનામદાર ને વાંધો છે ડેરી ના અન્ય ડિરેકટર અને ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓની સામે પડેલા કુલદીપ સિંહ સામે અને અક્ષય પટેલને વાંધો છે સતીષ નિશાળીયા સાથે બે ડિરેક્ટરોને પાઠ ભણાવવા બે ધારાસભ્યો એક થયા છે, સાથે જ ત્રીજા અપક્ષ ધારાસભ્ય વાઘોડિયાના ધર્મેન્દ્ર સિંહ વાઘેલાનો પણ સાથ લીધો છે
આ ત્રણેય ધારાસભ્યોએ ડેરી ના મુદ્દે મુખ્યમંત્રી અને સહકાર મંત્રીને રજુઆત બાદ બે દિવસ પૂર્વે સુરત ખાતે સી આર પાટીલ સાથે બેઠક કરી હતી,આ બેઠક સફળ નહીં રહી એવું એટલા માટે કહી શકાય કે જો સફળ રહી હોત તો બીજા દિવસે ધારાસભ્યો એ પશુ પાલકો સાથે ડેરી ના દરવાજે ધરણાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હોત પણ આ કાર્યક્રમ થયો અને આગામી શનિવારે સાવલી ખાતે વધુ એક કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી હતી.
ગત ચૂંટણી પૂર્વે પણ સીઆર પાટીલે કેતન ઇનામદાર અને ડેરીના સંચાલકો વચ્ચે મધ્યસ્થી કરી હતી અને પશુપાલકો ને ભાવફેર ની રકમ આપી હતી.
આ વખતે પણ ત્રણ ધારાસભ્યો સી આર પાટીલના દરબાર માં પહોંચ્યા તો ખરા પરંતુ બે દિવસ પછી સતીષ નિશાળીયાને જિલ્લા પ્રમુખ બનાવવાની જાહેરાત થશે તેવી કલ્પના પણ નહીં હોય. મોવડી મંડળ ના નિર્ણય સામે કોઈ પણ વ્યક્તિ વિરોધ કરી શકતો નથી પરંતુ સતીષ નિશાળીયાની પ્રમુખ તરીકે ની નિમણુંક ને તેઓના વિરોધીઓ પચાવી શકે છે કે કેમ તે એક પ્રશ્ન છે, રાજકીય પંડિતો આ નિમણુકને ડેરી સાથે જોડતા જણાવે છે કે ભાજપ ની એક સ્ટાઇલ છે જેને સીધી રીતે મનાવી ના શકાય અથવા કાબુમાં ના આવી શકતા વ્યક્તિ ને માપમાં રાખવા વિરોધીનું સ્થાન ઊંચું કરી દેવામાં આવે..આવુજ કઈક સતીષ નિશાળીયાની નિમણુંક માં થયું હોય તેવું મનાઇ રહ્યું છે.
સતીષ નિશાળીયા માટે 2024 ની લોકસભા ચૂંટણી પૂર્વેની આ નિમણુક અનેક રીતે કપરા ચઢાણ પુરવાર થશે,સતીશ નિશાળીયા કહી રહ્યા છે સૌને સાથે રાખીને ચાલશે પરંતુ જિલ્લા સંગઠનની રચના અને હોદ્દાઓની નિમણુકમા જ તેઓની ખરી કસોટી થશે.અક્ષય પટેલ અને કેતન ઇનામદારને કઈ રીતે મનાવશો તેવા પ્રશ્ન ના જવાબમાં સતીષ નિશાળીયાએ જણાવ્યું કે કેતન ભાઈ મિત્ર જેવા છે કોઈ વિવાદ નથી અને સૌનો સાથ સહકાર મળી રહેશે.
આ પણ વાંચો :Ahmedabad : કણભાના ઝાણું ગામની સીમમાં થયેલી દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ 15 દિવસ બાદ ઉકેલાયો, આરોપીની ધરપકડ