Vadodara: મધ્યસ્થ જેલમાં હાલમાં 45 બંદિવાનો દ્વારા દૈનિક 575 થી વધારે બેગનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેના થકી દરેક બંદિવાનના ખાતામાં દર મહિને રૂ. દસ હજાર જેટલી વેતનની રકમ જમા થાય છે. બંદિવાન જેલમાં રહીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે. જેલમાં ઉત્પાદીત બેગના એમ.આર.પી ટેગ ઉપર CJ (CENTRAL JAIL) નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. તદઉપરાંત બોક્ષ પેકીંગ ઉપર પણ CJ (CENTRAL JAIL) નો ઉલ્લેખ કરવામાં આવે છે.
આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જેલના વડા ડો.કે.એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ અધિક્ષક એમ.એ.ચૌધરી દ્વારા સફારી બેગના ઉત્પાદનમાં વધારો થાય અને બીજા 170 જેટલા બંદિવાનોને રોજગારી મળી રહે તે હેતુસર સફારી ઈન્ડસ્ટ્રીઝ સાથે આગામી છ વર્ષ માટે MOU કરીને સરદાર યાર્ડ ખાતે વધુ ત્રણ યુનિટ લાઈનની સ્થાપના કરવામાં આવનાર છે. આ નવિન ત્રણ લાઈન નાખવા માટે સફારી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા 8288 ચો.ફુટનો શેડ તૈયાર કરવામાં આવશે. જેનાથી દરરોજ 2000 થી 2500 બેગો તૈયાર કરવામાં આવશે.
શેડ તૈયાર કરવા માટે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વધુમાં જેલના બંદિવાનોના વ્યવસાયિક કૌશલ્યમાં વધારો થાય તે અર્થે મલ્ટીપલ વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે. જેલમાં હાલ સુથારીકામ, વણાટકામ, વેલ્ડીંગકામ, કેમિકલ, પ્રેસ વિભાગ, બેકરી વિભાગ, દરજીકામ તેમજ મહિલા બંદિવાનો માટે સિવણકામ, સેનેટરી નેપકીન બનાવવા વગેરે કામગીરી કરવામાં આવે છે. જેના દ્વારા બંદિવાનોને રોજગારી મળી રહી છે અને તેઓ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે.
આ ઉપરાંત કુકીંગ તાલીમ, એ.સી.ફ્રીજ રીપેરીંગ તાલીમ, પ્લમ્બીંગ, ઈલેક્ટ્રેશીયનની તાલીમ, માટીકામની વિવિધ વસ્તુઓ બનાવવાની તાલીમ, વાંસમાંથી વિવિધ સુશોભન માટેની કલાત્મક ચીજ વસ્તુઓ બનાવવાની, અને સ્કુલ બેગ બનાવવાની તાલીમના વર્ગો નિયમિત ચલાવવામાં આવે છે, તે બદલ બંદીવાનોને તાલીમનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવે છે. જેલ મુક્ત થયા બાદ તેઓ રોજગારી મેળવી શકે છે.
આ પણ વાંચો : Vadodara પોલીસની મોટી કાર્યવાહી, હેલ્થ વોર્નિંગ વિના સિગારેટ વેચતા દુકાનદારની ધરપકડ
આ ઉપરાંત સફારી બેગની તાલીમબાદ જેલમુક્ત થતા બંદિવાનો હાલોલ ખાતે આવેલ સફારીબેગ કંપનીમાં જ નોકરી મેળવીને પુન:સ્થાપિત થાય તેવા પ્રયત્નો અધિક્ષક એમ.એ.ચૌધરી દ્વારા કરવામાં આવે છે. વધુમાં સફારી કંપની દ્વારા આગામી સમયમાં મહિલા જેલ ખાતે પણ સફારી બેગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેના થકી મહિલા બંદિવાનોને પણ રોજગારી મળશે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો