રાજ્યમાં કોરોનાને લઈને રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના તમામ શહેરોમાં હોસ્પિટલમાં કોરોનાની સંભવિત લહેરને ધ્યાને રાખી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વડોદરામાં SSG હોસ્પિટલમાં કોરોનાની સંભવિત લહેરને ધ્યાને રાખી તમામ સંસાધનોની સમીક્ષા કરવામાં આવી છે. ઓક્સિજન પ્લાન્ટ અને અન્ય જરૂરી ટેક્નિકલ બાબતોની ચકાસણી કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં કોરોના વાયરસના સંભવિત નવા વેરિઅન્ટની સ્થિતિ અને તે માટે આરોગ્યતંત્રની સજ્જ્તાની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.આ બેઠક પૂર્વે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સમગ્ર દેશની સ્થિતિનો તાગ મેળવવાની સાથે આરોગ્ય મંત્રીઓના સુઝાવ પણ સાંભળ્યા હતા.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ બંને બેઠક અંગેની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે ત્યારે કોઇએ ડરવાની નહીં પણ કાળજી રાખવાની જરૂર છે. રાજ્યમાં હાલ 33 ટકા નાગરિકોએ જ કોરોના પ્રિકોશનના ડોઝ લીધા છે તે વધારીને 100 ટકા વેક્સિનેશન થાય તે માટે મહાનગરો સહિતના વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાશે. ઋશિકેશ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોરોનાના તમામ વેવમાંથી હેમખેમ પસાર થવામાં સફળતા મેળવીને દેશને કોરોનાના પ્રકોપથી બચાવ્યો છે. દેશમાં તૈયાર થયેલી કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીના બંને ડોઝ લેવાથી ભારતીયોમાં રોગ પ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.
Published On - 12:00 am, Sat, 24 December 22