વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) ગુજરાત પ્રવાસ વધી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. આગામી 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા (Vadodara) આવશે. વડાપ્રધાનની વડોદરા મુલાકાતને લઇ તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. એરપોર્ટ ખાતે સાંસદ, મેયર સહિત અધિકારીઓની હાજરીમાં તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તૈયારીમાં કોઇ ખામી ન રહી જાય તે માટે સાંસદ, મેયર સહિતના અધિકારીઓએ જાત નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાતનો ગઢ કબજે કરવા ભાજપે કમર કસી છે. ત્યારે મિશન ગુજરાતના ભાગરૂપે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે આવશે. 10 જૂને વડાપ્રધાન ગુજરાતમાં ચોથી વાર નવસારીની મુલાકાત લેવાના છે. જે પછી 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેરની મુલાકાત લેવાના છે. વડાપ્રધાન વડોદરા એરપોર્ટ પર ઉતરશે. ત્યારબાદ એરપોર્ટથી આજવા રોડ લેપ્રસી મેદાન સુધી 4 કિમી સુધીનો રોડ શૉ કરશે.
વડોદરા ખાતે પૂર્ણ થયેલા આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં 5 લાખ લોકોની જંગી સભાને સંબોધન કરશે. વડોદરા હવાઈ મથકેથી આજવા રોડ લેપ્રસી મેદાન સુધી રોડ શો કરશે. ત્યારબાદ પીએમ મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, રોડ શો બાદ સભાના આયોજનને લઈ શહેરીજનોને મોહલ્લા સજાવવા, રંગોળી, ઝંડા લગાવવા અને વાજતે ગાજતે પીએમનું સ્વાગત કરશે. સાથે જ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરી પાવાગઢની મુલાકાત લેશે.
વડાપ્રધાનના વડોદરામાં આગમનને લઇને એરપોર્ટ પર સાંસદ, મેયર સહિત અધિકારીઓએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ તૈયારીઓને આખરી ઓપ આપવા સૂચન કરવામાં આવ્યુ હતું. એટલું જ નહીં પીએમ મોદીની મુલાકાતને લઇ રોડ શૉના રૂટ પર શણગાર અને કારપેટિંગ કરી દબાણ દૂર કરાશે. સાથે સાથે રોડ શૉના રૂટ પર વિવિધ રાજ્યોની ઝલક દેખાડતી ઝાંખીઓ પણ મુકાશે.
મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતની મુલાકાત લઈને ભાજપના કાર્યકરોમાં જોશ પુરતા રહેશે. તેમજ આગળની રણનીતિ અંગેનું માર્ગદર્શન આપતા રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલા 28 મેના રોજ રાજકોટ જિલ્લાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે આટકોટ ખાતે રૂપિયા 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતુ. બાદમાં રાજકોટમાં જનસભા પણ સંબોધી હતી.