અમદાવાદ અને વડોદરામાં રોગચાળો વકર્યો, ગત વર્ષની સરખામણીએ કેસોમાં ઉછાળો

|

Sep 08, 2021 | 10:41 AM

રાજયમાં ચોમાસાની સિઝનમાં રોગચાળો વકર્યો છે. રાજયના બે મોટા શહેર અમદાવાદ અને વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે.

અમદાવાદ શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરેલા આંકડા અનુસાર ડેન્ગ્યૂના કેસ ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણા વધી ગયા છે. તો સાદા અને ઝેરી મેલેરિયાના કેસમાં પણ મોટો ઉછાળો નોંધાયો. ચિકનગુનિયાના કેસ પણ ગત વર્ષના 196ની સરખામણીએ બે ગણા વધીને 412 થઈ ગયા છે.

આ તો સરકારી હોસ્પિટલના આંકડાની વાત થઈ. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂ, મેલેરિયાના અનેકગણા વધારે દર્દીઓ દાખલ હોઈ શકે છે. અમદાવાદમાં રોગચાળા પર અંકુશ માટે નિમાયેલા અધિકારી ઓફિસ બહાર જતા જ નથી. ડેન્ગ્યૂની તપાસ માટે લેવાતા સેમ્પલની સંખ્યા પણ 2156થી ઘટીને 441 થઈ ગઈ છે.

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના આંકડા

સાદો મેલેરિયા 489
ઝેરી મેલેરિયા 43
ડેન્ગ્યૂ 684
ચિકનગુનિયા 412

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાના આંકડા
ઝાડા-ઉલ્ટી 2355
કમળો 832
ટાઇફોઇડ 1322
કોલેરા 22

વડોદરા શહેરમાં પણ રોગચાળો વકર્યો

વડોદરાના વિવિધ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. SSG હોસ્પિટલની OPDમાં એક જ દિવસમાં 500થી વધુ દર્દીઓએ સારવાર લીધી. જે પૈકીના સંખ્યાબંધ લોકોને દાખલ કરવા પડ્યા હોવાથી SSG હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ. SSG હોસ્પિટલના 285 બેડમાંથી 62 બેડ ખાલી હોવા છતાં 37 દર્દીઓને નીચે સુવડાવવામાં આવ્યા હતા.

ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા સાથે વાયરલ ઈન્ફેક્શનના કેસ વધતા ઓપીડીમાં ભારે ધસારો થયો. SSG હોસ્પિટલના ચોથા માળે યુનિટ સી પાસે કેટલાક બેડ ખાલી છે. પરંતુ તંત્રના અયોગ્ય આયોજનને કારણે લોકોને નીચે સુઈ જઈને સારવાર લેવી પડી રહી છે. SSG હોસ્પિટલના સુપરિન્ટેડન્ટે કહ્યું કે ડેન્ગ્યૂથી પાછલા મહિનામાં 5 લોકોનાં મોત થયા છે. ચોમાસામાં લોકોએ સ્વાસ્થયની જાળવણી કરવી જોઈએ તેવી પણ સુપરિન્ટેન્ડન્ટે અપીલ કરી.

વડોદરામાં વકર્યો રોગચાળો

ડેન્ગ્યુ
જુલાઈ 87 કેસ
ઓગસ્ટ 452 કેસ, 2 મોત
સપ્ટેમ્બર 161 કેસ

ચિકનગુનીયા
જુલાઈ 42 કેસ
ઓગસ્ટ 259 કેસ
સપ્ટેમ્બર 103 કેસ

મેલેરિયા
જુલાઈ 26 કેસ
ઓગસ્ટ 10 કેસ

Next Video