વડોદરા જિલ્લામાં ભારે વરસાદના પગલે દેવ અને ઢાઢર નદીમાં પૂર, કિનારાની આસપાસ પાણી ફરી વળ્યાં

|

Jul 14, 2022 | 5:40 PM

ગાજોલી પાસેના બ્રિજ પર નદીનું પાણી ફરી વળતા બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે બ્રિજ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરાયો છે. ઉપરાંત ડિઝાસ્ટરની મેનેજમેન્ટની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

વડોદરા (Vadodara) જિલ્લામાં ભારે વરસાદ (Rain) ના પગલે દેવ અને ઢાઢર નદીમાં પૂર (Flood) આવતા નદી કિનારાના 14 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગોજાલી, અદલાપુરા, બનૈયા, બહેરામપુરા, નવાપુરા, ભીલાપુર સહિતના ગામોને એલર્ટ કરાયા છે, તો ડભોઈ- વાઘોડીયા વચ્ચે ગાજોલી પાસેના બ્રિજ પર નદીનું પાણી ફરી વળતા બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે બ્રિજ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરાયો છે. ઉપરાંત ડિઝાસ્ટરની મેનેજમેન્ટની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બીજી તરફ ઢાઢર નદીમાં પૂરની સ્થિતિને જોતા ગાજોલી ગામના 20 પરિવારોને પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. તો ભીલાપુર ગામના 40 પરિવારોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા લોકોના સ્થળાંતર કરવાની કામગીરી શરૂ છે.

વડોદરાના પાદરામાં ઢાઢર નદીમાં જળસ્તર વધતા મુશ્કેલી વધી છે. પાદરા તાલુકાના 8 ગામોને ભારે અસર પહોંચી છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા સલામતીના ભાગરૂપે પાદરા કરજણ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં વીરપુર ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગામના ઘરોમાં કેડસમા પાણી ભરાયાં છે. જેને લઇ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વીરપુર ગામમાંથી 34 લોકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે લઇ જવાયા છે. તો બીજી તરફ હુસેપુર ગામ પણ પાણી પાણી થયું છે. જેથી નીચાણવાળા વિસ્તારમાંથી 41 લોકોને બચાવી લેવાયા છે. સાથે સાથે પાદરા મામલદારે લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.

Next Video