વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) બે દિવસ માટે વડોદરા (Vadodara) ની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વિવિધ કાર્યક્રમમાં સહભાગી થશે. વિદેશ મંત્રીની સૂચિત કાર્યક્રમની વિગતો એવી છે કે તેઓ તા. 30 મે, 2022 ના સવારે 9.15 વાગ્યે કલેકટર કચેરી ખાતે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન કાર્યક્રમમાં ભાગ લેશે. જેમાં કોરાના કાળમાં માતાપિતા વિહોણા થયેલા બાળકોને આર્થિક સહાય અર્પણ કરશે. એ બાદ સાંજે હોટેલ મેરિએટમાં સીએ અને વ્યવસાયિકોને મળશે. તા. 31ના રોજ સવારે 9 વાગ્યે સર સયાજી નગર ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમમાં જોડાશે. તેનો મુખ્ય કાર્યક્રમ હિમાચલ પ્રદેશમાં યોજાઈ રહ્યો છે. તે બાદ સર સયાજી નગર ગૃહમાં જ સાંજે ચાર વાગ્યે એમ. એસ. યુનિવર્સિટી આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ દેશમાં આઝાદીને 75 વર્ષ પુર્ણ થવાના પ્રસંગે ” આઝાદી કા અમૃત મહોત્સવ “ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે પંચાયતી રાજની સંસ્થાઓ નાગરીક સામાજીક સંગઠનો, સ્વતંત્ર સેનાનીઓના પરીવારો અને ચુંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન 31 મે 2022 ના રોજ હિમાચલ પ્રદેશના શિમલાથી વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચુઅલ સંવાદ કરશે.
વડોદરા જિલ્લામાં સર સયાજીનગર ગૃહ, અકોટા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ 31 મે, 2022 ના રોજ સવારે 9.00 કલાકે રાખવામાં આવ્યો છે. આ સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય વિદેશ મંત્રી ડો . સુબ્રમણ્યમ જયશંકર, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાધાણી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અન્વયે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમનું આયોજન બે ભાગમાં થશે પ્રથમ ભાગમાં રાજ્ય અને જિલ્લા કક્ષાની ઇવેન્ટ સવારે 10: 15 કલાક થી 10: 50 કલાક દરમિયાન થશે. જેમાં પી. એમ. કિસાન સમ્માન નિધિના લાભાર્થીઓના ખાતામાં 11મો ઇન્સ્ટોલમેન્ટ ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે સમાંતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
કાર્યક્રમના બીજાભાગમાં રાજ્ય અને જિલ્લા સ્તરના કાર્યક્રમમાં હાજર લોકો વર્ચ્યુઅલી રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં શિમલા ખાતે જોડાશે. જ્યાંથી પ્રધાનમંત્રી લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેટલાક પસંદગીના જિલ્લાઓમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરવામાં આવશે.