Vadodara તાલુકાના કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના 32 ગામનું 100 ટકા રસીકરણ સિદ્ધિની દિશા તરફ પ્રયાણ

વડોદરા તાલુકાના કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નેજા હેઠળના 32 ગામો 100 ટકા રસીકરણ સિદ્ધિની દિશા તરફ આગળ વધી રહ્યા છે.

Vadodara તાલુકાના કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના 32 ગામનું 100 ટકા રસીકરણ સિદ્ધિની દિશા તરફ પ્રયાણ
કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
| Edited By: | Updated on: Jun 15, 2021 | 10:31 PM

Vadodara: ગુજરાતે કોરોના (Corona Virus)ની બીજી ઘાતક લહેરનો મક્કમતાપૂર્વક સામનો કર્યો જેને પરિણામે કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વ્યાપક ઘટાડો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો દ્વારા કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેરના પડકારને પહોંચી વળવા દરેક જિલ્લામાં આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રીજી લહેરથી બચવા માટે મહત્તમ લોકોનું રસીકરણ થાય તે ખૂબ જ આવશ્યક છે.

 

કોરોનાથી બચવા રસી એકમાત્ર અમોધ શસ્ત્ર છે, ત્યારે ગ્રામજનોનો સહકાર અને આરોગ્ય કર્મીઓના સમર્પિત ભાવથી વડોદરા તાલુકાના કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નેજા હેઠળના 32 ગામો 100 ટકા રસીકરણ સિદ્ધિની દિશા તરફ આગળ વધી રહ્યા છે.

 

કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. જિતેન રાણાએ જણાવ્યું કે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના 32 ગામોમાં તા.16 જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તબક્કાવાર વિવિધ શ્રેણીમાં આવતા નાગરિકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગામના લોકોનો વ્યાપક સહયોગ પણ મળી રહ્યો છે.

જેને પરિણામે અલહાદપુરા ગામમાં મહદઅંશે 100 ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અન્ય ગામોમાં પણ આરોગ્ય કર્મીઓ અને ગ્રામજનોના સહકારથી રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ આરોગ્ય કેન્દ્ર હેઠળના ચિખોદરા, ભાલિયાપુરા, હેતમપુરા અને તતારપુરા ગામ 100 ટકા રસીકરણની નજીક પહોંચી ગયાં છે અને આગામી સપ્તાહમાં સંપૂર્ણ રસી સંરક્ષિત ગામ બની જવાની સંભાવના છે. આગામી દોઢ મહિનામાં અન્ય ગામો પણ 100 ટકા રસીકરણથી રક્ષિત થઈ જશે.

 

તેમણે ઉમેર્યું કે આ ગામોમાં રસી લેવા અંગે લોકોમાં ઉદાસીનતા સાથે ભ્રમ હતો કે રસી ના લેવાય. રસી લેવાથી આડ અસર થાય તેવા ભ્રામક ખ્યાલ લોકોમાં ઘર કરી ગયા હતા. પરંતુ આ ગામડાઓમાં સરપંચ સહિત ગ્રામજનો, યુવાનો અને આરોગ્ય કર્મીઓની મહેનત સાચા અર્થમાં રંગ લાવી. ઘરે ઘરે ફરીને લોકોને રસી સંપૂર્ણ સલામત છે, કોરોનાથી બચવાનો આ રામબાણ ઈલાજ છે તેવી સમજ આપી જેને પરિણામે લોકોમાં જાગૃતિ આવી અને લોકો રસી લેવા માટે પ્રેરિત થયા.

 

વડોદરા જિલ્લાના સરકારી દવાખાનાઓમાં કાર્યરત તબીબો અને ચાવીરૂપ સ્ટાફને તાજેતરમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો ખાસ કરીને બાળ આરોગ્ય કેવી રીતે સાચવવા સહિત તકેદારીના પગલાંની જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલીમ આપવાની પહેલ કરવામાં આવી છે. તેની સાથે કોરોનાના સંભવિત હુમલા સામે ટક્કર લેવા માટે ગ્રામીણ સમુદાય એક આગવી રીતે તૈયાર થઈ રહ્યો છે. વડોદરા જિલ્લાના અન્ય તાલુકાઓના ઘણાં ગામો રસી લેવાને પાત્ર છે તેવા લોકોના 100 ટકા રસીકરણનું ધ્યેય સિદ્ધ કરવાની નજીક પહોંચી ગયા છે.

 

જિલ્લા આરોગ્ય તંત્રની ટીમો દ્વારા રસી આપવાની સતત સમર્પિત કામગીરી અને લોકોની જાગૃતિથી આ શક્ય બની રહ્યું છે. અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળનું અલહાદપુરા ગામ 100 ટકા રસીકરણની સિદ્ધિ મેળવનાર તાલુકાનું સંભવતઃ પ્રથમ ગામ બન્યું છે. આ નાનકડા ગામે સંપૂર્ણ રસીકરણની નવી દિશા દર્શાવી છે.
આરોગ્ય કર્મીઓની મહેનત અને લોકજાગૃતિને પરિણામે વડોદરા જિલ્લાના ગામડાઓ 100 ટકા રસીકરણ સિદ્ધિ હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યા છે.