Gujarat : ડિજિટલ શિક્ષણના દાવા વચ્ચે વડોદરા જિલ્લાની આ શાળાની સ્થિતિ કંઈક જુદી જ !

દેશનું ભવિષ્ય જ્યાં તૈયાર થવાનું છે, તે શિક્ષણનું ધામ ખૂબ દયનીય સ્થિતિમાં છે. છત અને દિવાલો એવી થઈ ગઈ છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે.

Gujarat : ડિજિટલ શિક્ષણના દાવા વચ્ચે વડોદરા જિલ્લાની આ શાળાની સ્થિતિ કંઈક જુદી જ !
Dhalnagar School
| Edited By: | Updated on: Jan 03, 2023 | 12:36 PM

શિક્ષણનું સ્તર સુધારવા માટે રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે. શિક્ષણ માટે કરોડો રૂપિયાનું બજેટ પણ ફળવાય છે, પરંતુ ગામના આગેવાનો કહે છે કે  આ રૂપિયા જાય છે ક્યાં ?  કારણ કે વર્ષ 1991માં નિર્માણ પામેલી પતરાવાળી શાળા હાલ જર્જરિત હાલતમાં છે. શાળાઓના આ દ્રશ્યો જોઈને મન દુઃખી થયા વિના નહીં રહે.

દેશનું ભવિષ્ય જ્યાં તૈયાર થવાનું છે, તે શિક્ષણનું ધામ ખૂબ દયનીય સ્થિતિમાં છે. છત અને દિવાલો એવી થઈ ગઈ છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે. બાળકો જોખમી છત નીચે શિક્ષણ લેવા મજબૂર બન્યા છે. કહેવામાં તો આ શાળા ડભોઈ પાલિકામાં આવેલી છે,પરંતુ સુવિધા છેવાડાના ગામ જેવી પણ નથી. એટલું જ નહીં શાળામાં શૌચાલયની પણ કોઈ સુવિધા નથી. શાળાના નવિનીકરણ માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ જ ઉકેલ નથી આવ્યો.

આચાર્યએ 2 વર્ષ પૂર્વે નવી શાળા બનાવવા અરજી કરી હતી

જો સમયાંતરે શાળાનું સમારકામ કરાયું હોત તો આ સ્થિતિ ન સર્જાઈ હોત. રિપેરિંગના અભાવે છેલ્લા 5 વર્ષથી આ શાળા અતિ જર્જરિત હાલતમાં છે. શાળાના આચાર્યએ 2 વર્ષ પૂર્વે નવી શાળા બનાવવા અરજી કરી હતી, પરંતુ મંજૂરી ન મળતાં વધુ એકવાર અરજી કરવામાં આવી છે. જેને લઈ શિક્ષણ સમિતિના ચેરમેન બચાવની મુદ્રામાં આવી ગયા છે. તેમણે દાવો કર્યો કે રજૂઆત મળી હતી પરંતુ પૂરતા દસ્તાવેજો ન હોવાથી શાળાને ફરી દસ્તાવેજો મોકલવા કહ્યું હતું. હવે દસ્તાવેજો આવી ગયા છે, જેથી ટૂંક સમયમાં જ શાળાનું કામ શરૂ થાય તે દિશામાં પ્રયત્નો ચાલી રહ્યા છે.

Published On - 12:35 pm, Tue, 3 January 23