ત્રીજી જાન્યુઆરીએ 203 કેન્દ્રો ખાતે રસી આપીને કોરોના સામે તરુણોની સુરક્ષાનું અભિયાન શરૂ કરાશે
VADODARA : વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્રે તરુણ રસીકરણ (Vaccination for children) અભિયાનની પૂર્વ તૈયારી રૂપે રસી મેળવવાને પાત્ર તરૂણોની સંભવિત સંખ્યાનું સર્વેક્ષણ પૂરું કર્યું છે અને હાલમાં જિલ્લામાં રસીકરણના કેન્દ્રોની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.તા.3જી જાન્યુઆરી થી 15 થી 18 વર્ષની ઉંમરના તરુણોને કોરોનાથી બચાવવા રસી રક્ષિત કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.
જિલ્લાની નગર પાલિકાઓ અને ગામોમાં તરુણ રસીકરણની સરળતા માટે 203 જેટલાં કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે તરુણોને કોવેક્સીન (COVAXIN)નો ડોઝ આપવામાં આવશે.પ્રત્યેક રસી લેનારને 0.5ml નો ડોઝ આપવામાં આવશે જે વયસ્કો જેટલો જ છે.
હાલમાં આ રસીકરણ અભિયાનમાં સહયોગી શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને સંકલિત કામગીરીની તાલીમ આપવામાં આવી રહી છે.આજે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવે જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી તેમજ શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વિડિઓ કોન્ફરન્સ યોજીને સૂચિત આયોજનની સમીક્ષા કરી હતી.
જિલ્લા આરોગ્ય તંત્રના આયોજન પ્રમાણે તરુણ રસીકરણ માટેના કેન્દ્રો પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, આંગણવાડીઓ, પ્રાથમિક અને પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે રાખવામાં આવશે.સૌથી વધુ અર્બનમાં 3 સહિત પાદરા તાલુકામાં 39 અને સૌથી ઓછા શિનોર તાલુકામાં 10 તરુણ રસીકરણ કેન્દ્રો રહેશે.
જ્યારે વાઘોડિયા તાલુકામાં 3,નગર વિસ્તારમાં 4 સહિત ડભોઇ તાલુકામાં 33,સાવલી તાલુકામાં 30,વડોદરા તાલુકામાં 22,કરજણ તાલુકામાં 20 અને ડેસર તાલુકામાં 15 કેન્દ્રોની આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે ખાસ કરીને વાલીઓને આ અભિયાનને ટેકો આપીને પોતાનો રસીને પાત્ર સંતાનોને રસી મુકાવવાની જાગૃતિ દાખવી સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો : RAJKOT : ઓમિક્રોન અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે જાણો AIIMSના ડાયરેક્ટરે શું કહ્યું