વડોદરામાં ધોધમાર 3 ઇંચ વરસાદ પડતા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા

|

Sep 11, 2021 | 7:34 AM

Rain in Vadodara : ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.તો શહેરના સયાજીગંજ અલકાપુરીને જોડતું નાળું બંધ કરાયું છે.

VADODARA : વડોદરા શહેરમાં ગતરાત્રે 3 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો.ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.તો શહેરના સયાજીગંજ અલકાપુરીને જોડતું નાળું બંધ કરાયું છે. આજવા રોડ પરના નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘુસ્યા જેના કારણે લોકોએ પાણીથી બચવા ખાટલા તેમજ ખુરશીઓનો સહારો લીધો હતો. અવિરત વરસાદે વડોદરા શહેરમાં તારાજીના દ્રશ્યો સર્જવાનું શરૂ કર્યુ છે. ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં હતા.આવા દ્રશ્યો મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી પર ચોક્કસ પણે સવાલો ઉઠાવી રહ્યા છે.

ભારે વરસાદ વચ્ચે વડોદરા શહેરમાં બે અલગ અલગ સ્થળોએ સામાન્ય દુર્ઘટનાઓ સર્જાય હતી..દાંડિયા બજાર મ્યુઝિક કોલેજની સામેની મકાનની દીવાલ ધરાશયી થઈ, તો બીજી તરફ રાવપુરામાં અમદાવાદી પોળ નજીક જર્જરિત બંધ મકાનની ગેલેરી ધસી પડી હતી.જોકે બંને બનાવમાં કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું.

ઉલ્લેખનીય છે કે આગામી ચાર દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખેડૂતો માટે આ રાહતના મોટા સમાચાર કહી શકાય. સાથે જ રાજ્યમાં 35 ટકા વરસાદની ઘટ પણ ચાલુ સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.

વરસાદની આગાહી પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ અને આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે…તો સૌરાષ્ટ્રના શહેરો સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને બોટાદમાં પણ ભારેથી અતિભારેની આગાહી કરવામાં આવી છે.

અ પણ વાંચો : VADODARA : વડોદરા મહાનગર પાલિકા મંડળોના સ્થાપિત શ્રીજીના વિસર્જન માટે ચાર મોટા અને એક નાનું તળાવ બનાવશે

Next Video