ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 4 ઇંચ વરસાદ પડ્યો, કચ્છના રાપરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો, પંચમહાલના ગોધરા અને શહેરામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો, બનાસકાંઠાના ડીસામાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો, સાબરકાંઠાના વિજયનગરમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો, વડોદરાના પાદરામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો, બનાસકાંઠાના દાંતામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો, જ્યારે સાબરકાંઠાના ઇડરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો.
વડોદરા જિલ્લાના પાદરામાં છેલ્લા 24 કલાકમા 4 ઇંચ વરસાદ થયો છે. પાદરામાં ધોધમાર વરસાદને પગલે વીજળી પડવાની ઘટના સામે આવી છે. વણછરા ગામના મહાદેવ મંદિર પર પડી વીજળી પડી હતી. વીજળી પડતા મંદિરના શિખર સહિત કેટલાક ભાગને નુકસાન પહોંચ્યું છે. પાદરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.
વડોદરામાં ધોધમાર વરસાદને લઇ અનેક વિસ્તારમાં પાણી ભરાયા, માંજલપુરથી કાશી વિશ્વનાથ મહાદેવ રોડ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી, વરસાદને કારણે અહીં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ છે.
અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદને કારણે માધુપુર-રાજલી કોઝ-વે પર પાણી ફરી વળ્યાં હતા. ઉપરવાસમાં વરસાદથી કોઝ-વે પરથી પાણી ધસી રહ્યું છે. જેના કારણે માધુપુર, રાજલી, રાજલીકંપા, લક્ષ્મણપુરા, દઘાલીયાના વાહનવ્યવહારને અસર થઇ છે.
અરવલ્લીના મેઘરજ પંથકના ઇસરી, રેલ્લાંવાડા વિસ્તારની માઝૂમ નદીમાં નવા નીરની આવક થઇ છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે માઝૂમ નદી બે કાંઠે વહેવા લાગી છે. મેઘરજના કસાણા ગામે આવેલ કોઝવે ઉંપરથી પાણી વહી રહ્યાં છે.
અરવલ્લીના શામળાજી નજીક મેશ્વો નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. મેશ્વો નદીમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
સાબરકાંઠાના ખેડબ્રહ્માની હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે. ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદી થઈ બે કાંઠે વહી રહી છે. ઉપરવાસ રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે નદીમાં નવા નીર આવ્યાં છે. નદીમાં નવા નીર આવતા સ્થાનિક લોકો નદીનો નજારો જોવા ઉમટ્યાં હતા.
સાબરકાંઠાના હિંમતનગરની હાથમતી નદીમાં પણ નવાં નીર આવ્યા છે. સારા વરસાદને કારણે હાથમતી નદી બે કાંઠે વહી રહી છે. જાંબુડી નજીકનો હાથમતી ડીપ પાણીના પ્રવાહને કારણે બંધ કરાયો છે.
પંચમહાલ જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગોધરા અને હાલોલ શહેરના માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. ગોધરાના બીએમ.ચેમ્બર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. હાલોલની શાક માર્કેટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે શહેરા નગરની અણીયાદ ચોકડી પાસે વરસાદી પાણી ભરાયું. શહેરા-લુણાવાડા હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી સર્જાઇ. મહત્વનું છે કે હાઇવે પર વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ યથાવત રહી છે.
દાહોદ જિલ્લાના ધાનપુરના ભંડોલ ગામની પાનમ નદીમાં નવા વરસાદી નીર આવ્યા છે. વરસાદી નીરની આવકના પગલે નદી બે કાંઠે વહેવા લાગી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીના જળસ્તરમાં પણ વધારો જોવા મળ્યો છે. નદી વરસાદી નીરથી ભરાઈ જતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હતી.
સુરત શહેરમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝ-વે ઓવરફલો થતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ઉકાઈ ડેમમાંથી ક્રમશ: 22 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે અને વિયરકમ કોઝ-વેની સપાટી 6 મીટરને પાર કરી ગઈ છે. કોઝ-વેની સપાટી 6 મીટરને પાર થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના પલસાણા,બારડોલી, મહુવા, કડોદરા પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે. બારડોલી તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.