દિકરીના પ્રથમ જન્મદિવસની અનોખી ઉજવણી, આ વ્યક્તિએ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર પાંચ દિકરીઓને લીધી દત્તક

જે પાંચ દિકરીઓને દત્તક લેવામાં આવી છે તેમાં ચાર દિકરીઓ ચાર થી પાંચ વર્ષની છે જેઓના કોલેજ સુધીના અભ્યાસની જવાબદારી લેવામાં આવી છે. જેમાં તેઓને જરૂરી તમામ આર્થિક મદદ કરવામાં આવશે

દિકરીના પ્રથમ જન્મદિવસની અનોખી ઉજવણી, આ વ્યક્તિએ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર પાંચ દિકરીઓને લીધી દત્તક
Couple adopts 5 girls orphaned during Covid
| Edited By: | Updated on: Aug 12, 2021 | 7:18 PM

દરેક માતા પિતા પોતાના સંતાનના જન્મદિવસને ખાસ બનાવવા કંઇને કઇ આયોજન કરતા હોય છે ત્યારે રાજકોટમાં એક માતા પિતાએ પોતાની દિકરીના પ્રથમ જન્મદિવસને યાદગાર બનાવવા માટે સેવાયજ્ઞનો આરંભ કર્યો. કોરોનામાં (Corona) મૃત્યુ પામનાર માતા પિતાના સંતાનોને ટેકો કરવાના સંકલ્પ સાથે એક માતા પિતાએ પોતાની દિકરીના પ્રથમ જન્મદિવસને યાદગાર બનાવ્યો છે અને તેમના જન્મદિવસની પ્રેરણાદાયી રીતે ઉજવણી કરી છે..

 

રાજકોટમાં રહેતા મયુરધ્વજસિંહ જાડેજા નામના વ્યક્તિએ પોતાની દિકરીના વનિશાબાના પ્રથમ જન્મદિવસે કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવનાર પાંચ દિકરીઓને અનોખી ભેટ આપી છે. મયુરધ્વજસિંહ જાડેજાએ આ પાંચ દિકરીઓના કોલેજ સુધી અભ્યાસની જવાબદારી પોતાના સિરે લીધી છે. પાંચ દિકરીઓને અભ્યાસ હેતુથી દત્તક લેવાની સાથે સાથે કોરોનામાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર 81 જેટલા બાળકોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચ હેઠળ આવરી લઇને તેનો વીમો ઉતારીને જન્મદિવસ ઉજવ્યો છે.

 

આ ઉજવણીને મયુરધ્વજસિંહે એક અભિયાનના સ્વરૂપે લઇને તેને ‘દીદીથી દીદી’ નો વ્હાલ નામ આપ્યું છે. આ અંગે મયુરધ્વજસિંહે કહ્યું હતુ કે, કોરોનામાં અનેક પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે અને અનેક બાળકો અનાથ બન્યા છે ત્યારે તેને સાથ અને સહકાર આપવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.

 

ચાર દિકરીઓ 4 થી 5 વર્ષની, એકને બનવું છે નર્સ

આ અંગે મયુરધ્વજસિંહ જાડેજાએ કહ્યું હતુ કે, જે પાંચ દિકરીઓને દત્તક લેવામાં આવી છે તેમાં ચાર દિકરીઓ ચાર થી પાંચ વર્ષની છે જેઓના કોલેજ સુધીના અભ્યાસની જવાબદારી લેવામાં આવી છે. જેમાં તેઓને જરૂરી તમામ આર્થિક મદદ કરવામાં આવશે અને તેમને કોલેજ સુધીના અભ્યાસનો તમામ ખર્ચ આપવામાં આવશે. એક દિકરીનો અભ્યાસ ચાલુ છે તેનું સ્વપ્ન નર્સ બનવાનું છે ત્યારે તેનો નર્સિંગના અભ્યાસ સુધીનો તમામ ખર્ચ કરવામાં આવશે.

 

પ્રતિ માસ પિકનીકનું પણ કરાશે આયોજન

મયુરધ્વજસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતુ કે, તમામ 86 જેટલા બાળકોનું તેઓ ખાસ ધ્યાન રાખવાનો પ્રયત્ન કરશે. આજના દિવસે તેઓએ વધુ એક સંકલ્પ લીધો હતો જેમાં તેઓ આ બાળકોને પ્રતિ માસ રાજકોટ શહેરની આસપાસના વિસ્તારોમાં પિકનીક માટે પણ લઇ જશે જેના કારણે આ બાળકોને તેના માતા પિતાની ખોટ ન લાગે અને તેને પ્રેમ વ્હાલ આપી શકે..

 

2019 માં 86 દિકરીઓના સમૂહલગ્ન કર્યુ હતુ આયોજન

મયુરધ્વજસિંહ જાડેજા સામાજિક સંસ્થા પણ ચલાવે છે જેનું નામ જે.એમ.જે ગ્રુપ છે. આ થકી તેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરે છે. જેના ભાગરૂપે વર્ષ 2019 માં તેઓએ 86 જેટલી દિકરીઓના સમૂહલગ્ન કરાવ્યા હતા અને તેઓને કરિયાવર પણ આપ્યો હતો. પોતાની ઘરે ન કરી શકે તે રીતના લગ્ન કરાવ્યા હતા આ ઉપરાંત કોરોનાના કપરા કાળમાં તેઓએ જરૂરિયાતમંદ લોકોને ભોજન અને ઓક્સિજન સિલીન્ડર પણ પૂરા પાડ્યા હતા.

 

આ પણ વાંચો – Gold Price Today : સોનાના ભાવમાં અચાનક આવ્યો ઉછાળો ? જાણો શું છે કારણ?

આ પણ વાંચો – Independence Day: અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર પર લહેરાશે અત્યાર સુધીનો સૌથી મોટો તિરંગો, કરાયુ વિવિધ કાર્યક્રમોનુ આયોજન