ભરૂચ – અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી ઉપર આકાર પામેલ નર્મદા મૈયા બ્રિજનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજના કાર્યરત થવાથી દેશના સૌથી જુના ગોલ્ડનબ્રિજને નિવૃત્તિ મળવા સાથે ભરૂચને ટ્રાફિક સીટી તરીકેની બદનામીથી મુક્તિ મળશે.
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ટ્રાફિક સમસ્યા એ કાયમી બની હતી. આ બંને શહેરો વચ્ચે નર્મદા નદી ઉપર છેલ્લા 140 વર્ષથી ગોલ્ડનબ્રિજ અડીખમ રહી સેવા આપી રહ્યો હતો. આ બ્રિજને સમાંતર નવા બ્રિજને બનાવવાની શરૂઆત વર્ષ 2015 માં કરવામાં આવી હતી.
તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજીત 5 કિમિ લાંબા આ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આજરોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે બ્રિજ ખુલ્લો મુકાયો હતો. લોકાર્પણ કાર્યક્રમમાં સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરના ધારાસભ્ય અરુણસિંહ રણા, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબહેન પટેલ, ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ – અંકલેશ્વર વચ્ચેનો આ બ્રિજ આ બંને શહેરોને જોડતો મહત્વની કડીરૂપ સેતુ સાબિત થશે. માત્ર ભરૂચ – અંકલેશ્વર જ નહીં દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત વચ્ચે આ બ્રિજ મહત્વનો સાબિત થશે. નાયબ મુખ્યમંત્રીએ ભરૂચ તેમજ અંકલેશ્વર બંને તરફના છેડે તકતી અનાવરણ કર્યું હતું અને રીબીન કાપી બ્રિજને ખુલ્લો મુક્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના વિકાસમાં આ બ્રિજ એક મોરપીંછ સમાન સાબિત થશે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે ત્યારે નોકરિયાત વર્ગ માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે.
ગુજરાતની જીવાદોરી નર્મદા નદી ઉપર ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને સમાંતર બનેલા આ ફોરલેન બ્રિજને શણગારવામાં આવ્યો છે. કુલ 5 કિલોમીટર જેટલા લાંબા બ્રિજ ઉપર 228 LED સ્ટ્રીટ લાઈટ સાથે અત્યંત આકર્ષક ઝાકમઝોળ રોશનીનો ઝગમગાટ કરાયો છે.
આજે બ્રિજના લોકાર્પણ બાદ સાચે જ તે ગોલ્ડનબ્રિજનો પર્યાય બની રહેવા સાથે ભરૂચ અને અંકલેશ્વરને ટ્વીન સિટી બનાવવામાં નવો સેતુ બની રહેશે.
બ્રિજની ઉપર તો અદભુત રોશની કરાઇ જ છે પણ બ્રિજની નીચે પણ ભરૂચ તરફના પ્રવેશ દ્વારે કોઈ કચાશ છોડવામાં આવી નથી. ટ્રી પ્લાન્ટેશન, ગાર્ડનીગ અને બ્યુટીફીકેશન સાથે લાઇટિંગ અને પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે.
ગોલ્ડન બ્રિજની ટ્રાફિકની સમસ્યાને લઈ નવા બ્રિજના નિર્માણની વખતો વખત માંગ ઉઠી હતી. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે વર્ષ 2015 થી બ્રિજની ડિઝાઇનથી ફ્લાયઓવર એકટેનશન, નિર્માણ કાર્ય, કસક ગરનાળા ઉપર એન્ડિંગ તેમજ છેલ્લા એક મહિનાથી રાત દિવસ બ્રિજનું કામ વહેલુ પૂર્ણ થાય તે માટે ખડેપગે રહ્યાં હતાં.
Published On - 8:10 pm, Mon, 12 July 21