રક્ષાબંધન તહેવારે ભરૂચ સિટી બસ સુવિધા દ્વારા બહેનોને એક દિવસ મફત મુસાફરીની ભેટ આપવામાં આવી હતી. તહેવાર દરમ્યાન મફત મુસાફરીની સફરનો 10 હજારથી વધુ બહેનોએ લાભ લીધો હોવાનો પાલિકા પ્રમુખે દાવો કર્યો છે. આ ઉપરાંત જુના ભરૂચના શહેરીજનો માટે સોનેરી મહેલથી સિટી બસનો 13 મો રૂટ પણ શરૂ કરવામાં આવ્યો છે.
ભરૂચ સિટી બસ સેવા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી. ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝુકાવ વધી રહ્યો છે. રક્ષાબંધન પર્વે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો.
શનિવારે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ પાલિકા અને સિટી બસના સંચાલકોએ રવિવારે રક્ષાબન્ધન તહેવારે બહેનો માટે બસમાં મફત મુસાફરીની એક દિવસ માટે જાહેરાત કરી હતી. રક્ષાબંધનના પર્વએ રવિવારે શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ શરૂ થતાં જ રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે સિટી બસમાં મહિલાઓની મફત મુસાફરીની શરૂઆત થઈ ગઈ હતી.
વિવિધ વિસ્તારો અને બસ પોઇન્ટ ઉપરથી સાંજ સુધીમાં જ 7000 થી વધુ બહેનોએ રક્ષા બંધન તહેવારે સિટી બસમાં મફત મુસાફરીનો લાભ લીધો હતો. શહેરમાં રાતે 8 વાગ્યા સુધી સિટી બસ સેવા કાર્યરત રહેનાર હોય ત્યારે એક દિવસની મફત મુસાફરીની બહેનોને ભેટમાં 10 હજાર બહેનો તહેવારને અનુલક્ષી કરાયેલી જાહેરાતનો લાભ લીધો હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
તહેવાર દરમ્યાન મોટી સંખ્યામાં બહેનો ભાઈને રાખડી બાંધવા નીકળી હતી. આ બહેનોનો ભાઈના ઘર સુધીનો મુસાફરી ખર્ચ બચાવવા પાલિકાએ બહેનોને શહેરના તમામ રુટ ઉપર મહિલાઓ માટે મફત મુસાફરીની ઘોષણા કરી હતી
ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જુના ભરૂચના નગરજનોને પણ સિટી બસ સેવાની ભેટ તહેવાર ટાણે ધરી છે. સ્ટેશનથી પાંચબત્તી અને ત્યાંથી સોનેરી મહેલ સુધી સિટી બસ સેવાનો 13 મો રૂટ કાર્યરત કરવામાં આવ્યો છે. અમિત ચાવડા એ જણાવ્યું હતું કે તેમનો પ્રયાસ ભરૂચવાસીઓની સુવિધામાં વધારો કરવાનો છે. આજે મહિલાઓએ પાલિકા તરફથી મફત મુસાફરીની આપેલી ભેટને મોટી સંખ્યામાં સ્વીકારી છે.
ભરૂચ શહેરમાં 13 મોં રુટ શરૂ થયા બાદ જુના ભરૂચના ચકલા, સોનેરી મહેલ હજીખાના સહિતના વિસ્તારો, પોળ, ખડકી અને શેરીઓના લોકોને સોનેરી મહેલથી સિટી બસની સુવિધા પાંચબત્તી,સ્ટેશન કે શહેરના બીજા કોઈપણ સ્થળે જવા મળી રહેશે.
આ પણ વાંચો : રક્ષાબંધન નિમિત્તે સીએમ રૂપાણીને રાખડી બાંધતા ભાવુક થયા જશીબહેન, કહ્યું મારું બંધ પેન્શન મારા ભાઈએ ચાલુ કર્યું
આ પણ વાંચો : Jewellers on Strike : Hallmarking પ્રક્રિયા સામે જ્વેલર્સ આજે હડતાલ પર ઉતરશે, કેટલાક સંગઠનો નહિ જોડાય
Published On - 9:22 am, Mon, 23 August 21