રાજયમાં શિયાળામાં ગરમીનો અહેસાસ થશે , હવામાન વિભાગે કરી આગાહી

|

Nov 24, 2021 | 2:22 PM

રાજયમાં હાલ ડબલ સિઝનનો લોકોને અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે ફુલગુલાબી ઠંડી અને સવારે 10 વાગ્યાથી બપોરનાં 4 વાગ્યા સુધી ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે આ મામલે વધુ આગાહી કરી છે.

આ વરસે રાજયમાં શિયાળાની સિઝનમાં ગરમીનો અહેસાસ થશે. આ મામલે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજયમાં 3 દિવસ બાદ ગરમીનું પ્રમાણ રહેશે. અને, હવામાન વિભાગે જણાવ્યું છેકે ઠંડા પવનોની દિશા બદલાતા થોડા દિવસ રાજયમાં ગરમી રહેશે.

આ વર્ષે વધુ એક વખત અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઈ રહી છે. પવનની પેટર્ન દરિયામાંથી પસાર થઈ રહી છે, જેથી ગઈકાલથી જ દરિયાકિનારા તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યાં હતાં. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં સતત પલટો આવી શકે છે. એ ઉપરાંત વરસાદી ઝાપટાં પડી શકે છે. બીજી તરફ, આગામી ત્રણ દિવસમાં રાજયના અન્ય વિસ્તારોમાં લઘુતમ તાપમાન ગગડતાં ઠંડીનું પ્રભુત્વ ઘટશે અને સાથેસાથે ગરમીનો અહેસાસ થશે.

રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે
હાલ રાજયમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ સવારે ધૂમ્મસ છવાયેલું જોવા મળે છે, તેની સાથે ગુલાબી ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને, જેથી ઠંડીનું જોર ઘટશે તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. માત્ર દક્ષિણ ગુજરાત સિવાય અન્ય કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન પણ વધવાની શક્યતા સેવાઇ રહી છે.

Published On - 2:20 pm, Wed, 24 November 21

Next Video