આહવા: ડાંગને આંગણે યોજાયેલા “આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ” કાર્યક્રમના મુખ્ય સ્ટેજ પાસે કાર્યક્રમના હાર્દને સ્પષ્ટ કરતા પ્રદર્શન અને વેચાણ માટેના સ્ટોલ્સ પણ લગાવાયા હતા. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેત ઉત્પાદનો અને તેની બનાવટો પ્રદર્શિત કરાઇ હતી. અહી દેશી ગાય સહિત નડગખાદીના રિદ્ધિસિદ્ધિ સખી મંડળ દ્વારા, નાગલીની વિવિધ બનાવટો, ધાન્ય અને કઠોળ પાકો સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇના હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર દ્વારા જુદા જુદા પાકો, સાપ્રો-સાપુતારાની વિવિધ બનાવટો, મોખામાળના સંકેત ઓર્ગેનિક ફાર્મ દ્વારા વિવિધ ખેત ઉત્પાદનો, આત્મા પ્રોજેકટ અને GOPCA (ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી)ના મસાલા પાકો, પ્રાકૃતિક ખેત પેદાશોની વાનગી, અને એકતા બચત ગૃપ-આહવા દ્વારા વિવિધ ચીજવસ્તુઓનુ નિદર્શન અને વેચાણ કરાયુ હતુ.
આ પ્રદર્શન સ્ટોલ્સની મહાનુભાવોએ મુલાકાત લઈને વિસ્તૃત જાણકારી મેળવવા સાથે, ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ. મહાનુભાવોએ અહી પ્રદર્શિત ચીજવસ્તુઓની ખેતી, ઉત્પાદન, મૂલ્યવર્ધિત ઉત્પાદન, વેચાણ વ્યવસ્થા, સ્વરોજગારી, જેવા મુદ્દે સ્ટોલધારકો સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
આ ઉપરાંત, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર દસ્તક અભિયાન અન્વયે ડાંગ જિલ્લાના ગોંડલવિહિર ગામમાં વનવાસી પરિવારના ઘરની મુલાકાત લઈ આરોગ્ય કર્મીઓ દ્વારા વનવાસી પરિવારના થઈ રહેલા કોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી.
રાજ્યના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે ડાંગને જાહેર કરવામાં આવ્યો.આહવામાં “આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ” કાર્યક્રમ હેઠળ ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લા તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વિધિવત રીતે ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો.ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા કુટુંબો માટે 31 કરોડની નાણાંકીય સહાય યોજનાની જાહેરાત કરાઇ છે.આ યોજના હેઠળ ડાંગ જિલ્લાના 12 હજાર 527 ખેડૂત કુટુંબોને 6.50 કરોડની સહાય ચૂકવવામા આવી છે.ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રતિકરૂપે પાંચ ખેડૂતને સહાયના ચેકોનુ વિતરણ કરાયું.
ડાંગની ઉપજ એવી નાગલીમાંથી બનતા બેકરી પ્રોડક્ટ અને નાહરી કેન્દ્રો ઉપર મળતું સ્વાદિષ્ટ ભોજન ડાંગની વિશેષ ઓળખ બન્યા છે, ડાંગ જિલ્લામાં સ્થાનિક લોકો નાગલીની ખેતી કરે છે, ચોમાસામાં ખેડૂતો નાગલી જેને રાગી પણ કહે છે તેની ખેતી કરતા જોવા મળે છે, તો રાજ્ય સરકાર પણ નાગલીની ખેતી માટે તાલીમ આપે છે, ડાંગની નાગલીને હવે શહેરોમાં રહેતા લોકો પણ અપનાવતા થયા છે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વન વિભાગ અને NGO દ્વારા નાહરી કેન્દ્રો સ્થાપવા આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે, નડગખાડી ગામની મહિલાઓ નાગલીમાંથી વિવિધ પ્રકારના બિસ્કિટ બનાવી પગભર બની છે,
Published On - 5:47 pm, Fri, 19 November 21