નવરાત્રી દરમિયાન બે ભાઈઓ લોકો માટે ઉદાહરણ રૂપ બન્યા. આર્થિક સંકડામણથી પરેશાન બે ભાઈ પહેલા નોરતે નાની બહેનનું અવસાન થયા બાદ તમામ વીધી પૂર્ણ કરી કામ માટે પહોંચ્યા.
કહેવાય છે ને કે આર્થિક પરિસ્થિતિ નબળી હોય કે ભાંગી પડી હોય. ત્યારે તેમાંથી બહાર નીકળવા લોકો સારો માર્ગ પણ અપનાવે છે તો કેટલાક લોકો ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળે છે. પણ અમદાવાદમાં એક કિસ્સો એવો સામે આવ્યો કે જેમાં બે ભાઈ જેઓ કોરોનાને કારણે આર્થિક સંકડામણમાં છે પણ પહેલા નોરતે તેમની નાની બહેનનું અવસાન થયું છતાં સામેની પાર્ટીને કરેલ વાયદો પૂર્ણ કરવા અને પોતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખી બંને ભાઈ બહેનની અંતિમ ક્રિયાની તમામ વિધિ પૂર્ણ કરી પોતાના કામે લાગી ગયા. જેથી કોઈનો નવરાત્રી પર્વ ન બગડે અને તેઓને આર્થિક ટેકો પણ રહે. કેમ કે તેઓના બહેન રહ્યા નથી, તેમજ બંને ભાઈ કે તેમનો પરિવાર આ વર્ષે નવરાત્રી ઉજવી નહિ શકે પણ બીજાની નવરાત્રી બગડે નહીં તેના પર આ બંને ભાઈઓએ ખાસ ધ્યાન આપ્યું.
આ વાત છે બાપુનગરમાં રહેતા અને રખિયાલથી પુરા અમદાવાદમાં ડેકોરેશનનો ધંધો કરતા મનોજ પટણી અને સંજય પટણીની. મનોજ પટણી અને તેમનો ભાઈ વાયદાના એટલા પાકા કે કોઈપણ ઘટના હોય તેઓ વાયદો ન ચુકે. જે તાજેતરમાં સામે આવેલ ઘટના પરથી ફલિત થાય છે.
ભુયંગદેવમાં વર્ધમાન એપાર્ટમેન્ટના રહીશોએ નવરાત્રીના થોડા દિવસ પહેલા આ બંને ભાઈને નવરાત્રીમાં ડેકોરેશનનો ઓર્ડર આપ્યો હતો. જોકે એપાર્ટમેન્ટના રહીશોનો ખબર પડી કે બંને ભાઈની બીમાર નાની બહેનનું અવસાન થયેલ છે. તો તેમના ત્યાં હવે ડેકોરેશન નહિ થાય કે બીજાને બોલાવવા પડશે. પણ બંને ભાઈ વાયદાના પાકા હોવાથી અને પરિવારની એવી પરિસ્થિતિને કારણે બંને ભાઈ બહેનની અંતિમ ક્રિયાની તમામ વિધિ પૂર્ણ કરી વર્ધમાન એપાર્ટમેન્ટ પર પહોંચી ગયા.
જ્યાં તેઓએ લાઇટિંગ સહિત માતાજીનો મંડપ બાંધી નવરાત્રીનું ફેકોટેશન કરી આપ્યું. જેથી વર્ધમાન એપાર્ટમેન્ટના રહીશોનો નવરાત્રી પર્વ ન બગડે. સાથે એપાર્ટમેન્ટના રહીશોએ અને યુવા લોકોએ sop પ્રમાણે વ્યવસ્થા પણ કરી. જેમાં નવરાત્રી આયોજન સ્થળે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય માટે ગોળ કુંડાળા કર્યા. તેમજ તમામ સભ્યોને વેકસીન લેવા માટે અપીલ કરી. કેમ કે નવરાત્રીમાં જે લોકોએ વેકસીન લીધી હશે તેઓ જ ભાગ લઈ શકશે તેવી ગાઈડ લાઈન છે. જેનું પાલન થવું પણ જરૂરી છે.
આમ બંને ભાઈઓએ પોતાનો પારિવારિક ધર્મ તો નિભાવ્યો સાથે જ ધંધાદારીમાં ચુક્યા પણ નહીં. સાથે એ પણ સાબિત કરી બતાવ્યું કે પરિસ્થિતિ કેવી હોય પણ ક્યારે વ્યક્તિએ ભાંગી ન પડવું. તેમજ ગુનાહિત માર્ગ ન અપનાવવો.
Published On - 12:06 pm, Fri, 8 October 21