Vibrant Gujarat Global Summit 2022 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પ્રતિનિધિ મંડળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના રોડ-શો માટે યુએઈ દુબઈના બે દિવસીય પ્રવાસે આવતીકાલે 8 ડિસેમ્બર બુધવારે સવારે 8 કલાકે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રવાના થશે.
દેશના સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય ગુજરાતમાં જાન્યુઆરી ૨૦૨૨માં યોજાનારી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit 2022 )સંદર્ભમાં દુબઈમાં આવતીકાલે આઠ ડિસેમ્બરે બુધવારે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નેતૃત્વમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ આ હેતુસર દુબઇ મુલાકાતે જવા રવાના થશે.
આ દુબઇ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળ દુબઇમાં ઉદ્યોગ સાહસિકો સાથે વન-ટુ-વન મુલાકાત બેઠક કરવાના છે. તેમજ હાલ દુબઈમાં ચાલી રહેલા એક્સપોમાં ઇન્ડીયા પેવેલિયનની મુલાકાત પણ લેવાના છે. દુબઈમાં ટીમ ગુજરાત ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા અંગે વાતચીત કરશે. એટલું જ નહિ, ઉદ્યોગકારો સમક્ષ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે ઉપલબ્ધ રોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે.
ગુજરાતનું પ્રતિનિધિ મંડળ દુબઈમાં ઊર્જા, એન્જિનિયરિંગ, હોસ્પિટાલિટી, આરોગ્ય, લોજિસ્ટિક્સ, ફિનટેક (ફાયનાન્સિયલ ટેકનોલોજી) તથા સેવાઓના ક્ષેત્રોમાં ગુજરાતમાં ઉપલબ્ધ મૂડીરોકાણની સંભાવનાઓ અંગે બિઝનેસ અગ્રણીઓ સાથે વાતચીત કરશે.દુબઈ રોડ-શોમાં મુખ્યમંત્રીશ્રી સાથે જઇ રહેલા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળમાં મુખ્યમંત્રીશ્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી કે. કૈલાસનાથન, એડિશનલ ચીફ સેક્રેટરી (ઉદ્યોગો) ડૉ. રાજીવકુમાર ગુપ્તા, બિઝનેસ અગ્રણીઓ તથા રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.
૧૦મી વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૧૦ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૨ દરમિયાન ગાંધીનગરમાં યોજાઈ રહી છે. આ ઉપરાંત એ જ ગાળામાં ૯ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન થયેલું છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ૨૦૦૩થી શરૂ થયેલી દ્વિ વાર્ષિક વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભારતના રાજ્યો ઉપરાંત દુનિયાના વધુને વધુ દેશો પણ રસ લઈ રહ્યા છે એ કારણે મૂડીરોકાણ તેમજ વેપારના ક્ષેત્રમાં ગુજરાતને વૈશ્વિક મંચ જેવું સ્થાન મળ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીએ ભારતને આત્મનિર્ભર બનાવવાનો જે કોલ આપેલો છે તેને સુસંગત આ વર્ષના વાયબ્રન્ટ સમિટની થીમ “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત” રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દુબઇમાં યોજાનારા રોડ-શોને લઇને અખાત ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ ઊભો થયો છે.