NAVSARI જિલ્લામાં ખુંખાર દીપડાનો ભય, ખેડૂતો ખેતરોમાં જતા અનુભવે છે ડર

હાલ નવસારી જીલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં પાંચ જેટલા બકરાનો શિકાર દીપડાઓએ કર્યો છે. બીજી તરફ રાનકુવા અને ફડવેલ ગામોમાં અવારનવાર દીપડાઓ દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

NAVSARI જિલ્લામાં ખુંખાર દીપડાનો ભય, ખેડૂતો ખેતરોમાં જતા અનુભવે છે ડર
દીપડો (ફાઇલ)
| Edited By: | Updated on: Dec 04, 2021 | 6:27 PM

નવસારી (NAVSARI) જીલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડાઓ(Panther) હવે માનવ વસ્તી તરફ શિકારની શોધમાં આગળ વધી રહ્યા છે. ત્યારે નવસારી પંથકમાં શેરડી કાપતા ખેડૂતો દીપડાના (Panther)ડરને લઇ મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરોમાં જવું તે ખેડૂતો માટે ખતરા સમાન બની ગયું છે.

નવસારી (NAVSARI) જીલ્લામાં ગણદેવી તાલુકામાં સૌથી વધુ દીપડાઓ (Panther) રહેતા હોવાનું આંકલન વનવિભાગે કર્યું છે. હાલ ખેડૂતોની વાત કરીએ તો હાલ શેરડી પકવતા ખેડૂતોએ શેરડીની કાપણી શરુ કરી છે. પરંતુ આવા સમયે જંગલ વિસ્તારથી ખોરાકની શોધમાં દીપડા માનવ વસ્તી નજીક આવી ખેડૂતો માટે ખતરારૂપ બની ચુક્યા છે. જેને પગલે ખેડૂતો ખેતરોમાં જવા પહેલા દીપડાઓથી બચવા માટે વિવિધ નુસ્ખાઓ અજમાવી ખેતરોમાં શેરડી કાપવા માટે જાય છે. થાળીઓ વગાડી અથવા તો ફટાકડા ફોડી ખેતરોમાં પ્રવેશ કરે છે જેથી દીપડાઓ કે અન્ય જંગલી જનાવર હોય તો ત્યાંથી પલાયન કરી જાય છે.

હાલ નવસારી જીલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં પાંચ જેટલા બકરાનો શિકાર દીપડાઓએ કર્યો છે. બીજી તરફ રાનકુવા અને ફડવેલ ગામોમાં અવારનવાર દીપડાઓ દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સાથે સાથે ખેડૂતોની ચિંતાને પગલે વન વિભાગના જણાવ્યા અનુસાર જરુર જણાય ત્યાં પાંજરા પણ મુકવામાં આવ્યા છે. તાલુકા ક્ષેત્રે વિવિધ ટીમો બનાવી એનજીઓના સહકાર દ્વારા રેકી કરી આવા વિસ્તારોમાં દીપડાઓ પર નજર રાખવામાં આવી રહી છે.

નવસારી જીલ્લામાં અનેક રહેણાંક વિસ્તારોમાં દીપડાઓનાં વધુ પગ પેસારાને અટકાવવા જીલ્લામાં ટ્રેકિંગ સેન્ટર બને તેવી પણ માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. જેથી જાનવરોની ગતી વિધિઓ પર નજર રાખી શકાય. પરંતુ હાલ ખેડૂતો થાળી-વાટકા વગાડી અથવા બોમ્બ-ફટાકડા ફોડી દીપડાઓને ભગાડવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી યોગ્ય પગલાઓ નહીં લેવાય ત્યાં સુધી ખેડૂતોના માથે ભય મંડરાતો રહેશે.

નોંધનીય છેકે દક્ષિણ ગુજરાતના જંગલ આસપાસના વિસ્તારોમાં અવારનવાર દીપડાઓ દેખા દેતા હોય છે. અને, દીપડો એક ખુંખાર પ્રાણી હોવાથી સામાન્ય માણસમાં તેનો ડર વધારે જોવા મળે છે. કહેવાય છેકે દીપડો રસ્તે આવતા દરેક જીવને અડફેટે લઇ લે છે. અને, દરેકનો જીવ લેતા દીપડો એકક્ષણનો પણ વિલંબ કરતો નથી. ત્યારે આવા ખુંખાર દીપડાઓ સામે ખેડૂતોને રક્ષણ આપવું વનવિભાગની ફરજ બની જાય છે.