તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દક્ષિણ વિસ્તારમાં આવેલ ગાડકુંવા ગામમાં ગામના જ કેટલાક જાગૃત શિક્ષિત યુવાનો કે જેઓ દિવસ દરમ્યાન કોઈ ને કોઈ નોકરી સાથે જોડાયેલ છે, જેમણે રાત્રિ શાળા શરૂ કરી છે. આર્થિક પછાત બાળકોને સારું શિક્ષણ મળી રહે, તેમને શહેરોમાં ચાલતા મોંઘા ટ્યુશન કલાસીસોમાં ન જવું પડે તે ઉદ્દેશ્યથી ગામમાંજ શિક્ષણની પહેલ આ શિક્ષિત યુવાનોએ કરી છે. તેમના આ ભગીરથ કાર્યમાં લોકોનો સહકાર પણ મળતો ગયો અને ગામનાજ એક શિક્ષકે પોતાનું મકાન શિક્ષણ માટે આપ્યુ.
નળિયાવાળા કાચા મકાનમાં ગામના યુવાનોએ નાના ભૂલકાઓ અને આ વિસ્તારના સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની શિક્ષણની ભૂખ સંતોષવા માટે લાઈબ્રેરી બનાવી અને રાત્રિ દરમ્યાન આ મકાનમાં અન્ય એકથી બાર ધોરણના બાળકોને છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી મફત ટ્યુશન આપવામાં આવી રહ્યું છે. બાળકોને વધુ આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે પ્રોજેક્ટર મારફતે પણ તેઓને સમજ આપવામાં આવી રહી છે. રાત્રિ દરમ્યાન ચાલતા આ ક્લાસિસમાં દૂર દૂરથી બાળકો આવતા હોય જેમને લાવવા લઈ જવા માટે ગાડીની સુવિધા પણ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.
100 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ગાડકુંવા અને તેની આસપાસના ત્રણથી ચાર ગામના 100થી વધુ વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ લેવા માટે આવે છે. આ ગરીબ વિદ્યાર્થીઓને શહેરોના મોંઘાદાટ ટ્યુશન કલાસીસ આર્થિક રીતે પરવડી શકે તેમ નથી. તેઓ અહીં મફત અને શહેરોના ટ્યુશન કલાસીસને સમકક્ષ ટ્યુશન મેળવીને સંતોષની લાગણી અનુભવી રહ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓ અહીં તૈયારીઓ કરી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ પણ થયા છે તો બીજી તરફ અહીં ચાલતા મફત ટ્યુશન કલાસીસમાં પોતાના બાળકને મોકલી અને તેમની પ્રગતિ જોઈને વાલીઓ પણ સંતોષની લાગણી અનુભવી રહ્યા છે.
તાપી જિલ્લાના કેટલાક શિક્ષિત આદિવાસી યુવાનો દ્વારા તેમના સમાજના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે કંઈક કરવાની નેમ સાથે શરૂ કરાયેલ રાત્રી ટ્યુશન કલાસીસ અને લાઈબ્રેરી ખરેખર ઊંડાણ ના ગામોમાં કે જ્યાં શિક્ષણની ભૂખ વિદ્યાર્થીઓમાં છે અને જેઓને શહેરોના મોંઘા ટ્યુશન ક્લાસિસોમાં જવુ પરવડી શકે તેમ નથી. તેઓ માટે આવા ક્લાસિસો આશીર્વાદરૂપ પુરવાર થઇ રહ્યા છે અને આ શિક્ષિત યુવાનોનો પ્રયાસ ખરેખર વાખાણવાને લાયક છે, કે જેમણે ઊંડાણના ગામોમાં શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત રાખવાને માટે તન મન અને ધન એમ સંપૂર્ણ ન્યોછાવર કર્યું છે.
ઈનપુટ ક્રેડિટ- નીરવ કંસારા- તાપી
Published On - 7:37 pm, Fri, 24 February 23