સુરત (Surat )જિલ્લાના અંતરિયાળ ગામોમાં દીપડા (Leopard ) જેવા હિંસક પ્રાણીઓની ડર હજી પણ યથાવત રહેવા પામ્યો છે. હવે તાપીમાં આવેલ વાલોડ(Valod ) તાલુકામાં પેલાડ બુહારી ગામમાં દીપડાનો પરિવાર લટાર મારતા દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. ગત તારીખ 8 મી મેના રોજ એક કારચાલકે રાત્રીના સમયે દરમ્યાન પોતાની કારમાંથી દીપડાનો પ્રોવર લટાર મારતો હોય તેવો એક વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.ગ્રામજનોએ વન વિભાગને કરેલી રજુઆત બાદ એક દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગે 2 વર્ષની દીપડીને પાંજરે પુરીને હવે તેને અંતરિયાળ જંગલમાં છોડવાની કાર્યવાહી શરૂ કરી છે.
નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલા મોબાઇલમાં રાત્રી દરમિયાન જંગલ વિસ્તારમાંથી રોડ નજીક દીપડો તેના પૂરા પરિવાર સાથે લટાર મારતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. કારમાં પસાર થતાં એક કારચાલકે તેનું વિડીયો શુટીંગ કરી લીધું હતું. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું રાત્રીના અંધકારમાં પહેલા એક દીપડો જાય છે. અને થોડી સેકન્ડ બાદ એક પછી એક એમ બે દીપડા પાછળ દોડતા દેખાયા હતા.
જોકે વાલોડ તાલુકામાં આ પ્રકારે દીપડાના પરિવાર સાથે દેખાવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે આ પહેલા સુરતના અંતરિયાળ ગામડાઓમાં દીપડાએ ખેત મજુરો અને લોકોને પોતાનો શિકાર બનાવ્યા હોય તેવી ઘટનાઓ બની ચુકી છે.
તાપીના પેલાડના બુહારી ગામ નજીક દીપડો જોવા મળતા ગ્રામજનો દ્વારા વનવિભાગને તેની જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોની વાતને ધ્યાને લઇને વનવિભાગ દ્વારા ગામમાં પાંજરૂ ગોઠવી દીપડાને પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. જે બાદ 2 વર્ષની દીપડી પાંજરે પુરાઈ છે. ત્રણ દીપડા પૈકી એક દીપડાનું બચ્ચું પકડાઈ જતા વન વિભાગ અને ગ્રામજનોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.