તાપી (Tapi )જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને તથા સભાના સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડીયા ની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત તાપી- વ્યારા(Vyara ) ની ખાસ સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં જિલ્લા વહીવટી અધિકારીઓ અને શાસકોની હાજરીમાં અનેક વિકાસ કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ સામાન્ય સભામાં 15માં નાણાપંચની જોગવાઈ માંથી નાણાકીય વર્ષ 2022-23 જિલ્લા કક્ષાએ 10 ટકા આયોજન કરવામાં આવ્યું છે.
તાપી જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં અનટાઈડ અને બેઝિક 40% સદરે માળખાગત વિકાસ, શિક્ષણ, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય અને સ્વાસ્થ્ય, સામાજિક સુરક્ષા અને સામાજિક ન્યાય, કૃષિ પશુપાલન ડેરી, વિકાસ અને મત્સ્યોદ્યોગ માટે રૂા.279.99 લાખ તેમજ ટાઈડ ગ્રાન્ટ 60% સદરે પાણી પુરવઠા, R.O પ્લાન, શૌચાલય, ગટર, ટ્રેકટર અને ડોર ટુ ડોર કચરા કલેકશન માટે તથા કચરાપેટીઓ માટે રૂ।. 419.99 લાખના આમ, કુલ રૂા. 699.98 લાખના કામોની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ડોર ટુ ડોર ગારલેજ કલેકશન, એમ્બ્યુલન્સ વાન, સોલાર પંપ, પ્રાથમિક શાળાના ઓરડાઓનું અપગ્રેડેશન અને શેડ, આંગણવાડી બાંધકામ, છાત્રાલયોના રીપેરીગ વગેરેના 15 નાણાપંચની કામોની વહેંચણી બાબતે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા પ્રમાણેના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડિયા દ્વારા જિલ્લાના સદસ્યો ને સમજૂતી આપવામાં આવી હતી, તેમજ ગ્રામ વિકાસ માટેના તમામ કાર્યો હાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ સમયસર કામો પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સિવાય તમામ જિલ્લા પંચાયતના તમામ સદસ્યો દ્વારા સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. 15 માં નાણાપંચના કામોની સર્વાનુમતે મંજૂરી મળી જતા સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી હતી.