
સુરેન્દ્રનગરના (Surendranagar) લીંબડીમાં રાજ રાજેશ્વર ધામના રાજર્ષિ મુનિજી સ્વામી (Rajarshi Muniji Swami) બ્રહ્મલીન થયા છે. રાજર્ષિ મુનિજી સ્વામી બ્રહ્મલીન થતા ભકતોમાં શોકની લાગણી ફેલાઈ છે. હવે રાજર્ષિ મુનિજી સ્વામીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મલાવ આશ્રમ લઈ જવાશે. આવતીકાલે સવારે 11 વાગ્યે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ટ્વીટ કરીને આ અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે. રાજર્ષિ મુનિજી સ્વામી લીંબડીના જાખણ ખાતે આવેલા રાજ રાજેશ્વર ધામના સ્વામી હતા.
લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામિ રાજર્ષિ મુનિના બ્રહ્મલીન થયાના સમાચાર દુ:ખદ છે. તેઓએ વર્ષો સુધી યોગના સંવર્ધન અને વિકાસનું કાર્ય કર્યું. સદ્ગતના આત્માની શાંતિ માટે અંતરમનથી પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥
— Narendra Modi (@narendramodi) August 30, 2022
અગાઉ ઉચ્ચ અધિકારી રહેલા સ્વામી રાજર્ષિ મુનિ પરમ યોગી અને જીવન-સાધક હતા. રાજર્ષિ મુનિજી પંચમહાલ જિલ્લામાં આવેલી લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક છે. રાજર્ષિ મુનિજીએ યોગાભ્યાસ માટે અનેક સેન્ટર શરુ કર્યા હતા. આ સંસ્થાની વિશેષતા એ છે કે અહીં કોઇપણ વ્યક્તિ નિઃશુલ્ક યોગ શીખી શકે છે. 1976થી આ સંસ્થા યોગ વિદ્યાલયો ચલાવે છે. સ્વામી રાજર્ષિ મુનિના માર્ગદર્શનમાં અત્યાર સુધી લાખો લોકો યોગ શીખ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. તેઓ લકુલીશ ઈન્ટરનેશનલ ફેલોશિપ્સ એનલાઈટમેન્ટ મિશન (લાઈફ મિશન) સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિના પુનરૂત્થાનનું કાર્ય કરી રહ્યા હતા .
સ્વામી રાજર્ષિ મુનિનો જન્મ 11મી ફેબ્રુઆરી 1931ના રોજ થયો હતો. તેમનો જન્મ દેવીસિંહજી સામતસિંહજી જાડેજાના ઘરે પોરબંદરમાં થયો હતો. ત્યાં બે વર્ષ રહ્યા પછી તેઓ 1933માં પોતાના વતન શાપર ગામમાં આવી ગયા હતા. અહીં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. 1938માં આગળ ભણવા તેઓ લીમડી ગામમાં ગયા હતા. રાજપૂત છાત્રાલયમાં રહીને તેઓ ભણ્યા હતા. 1946માં તેમણે મેટ્રિક્યુલેટ કર્યું હતું. મુંબઈની ડેક્કન કોલેજમાં તેમણે પોસ્ટગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો હતો. 1953માં તેઓ સમાજશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક થયા. એ પછી તેમણે પીએચડીની તૈયાર કરી હતી. જોકે 1954માં સૌરાષ્ટ્ર સરકારમાં જોડાયા.
(વીથ ઇનપુટ-સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)
Published On - 1:37 pm, Tue, 30 August 22