Valsad : પાણી ઉતરતા તંત્રએ શરુ કર્યો નુકસાનીનો સર્વે, સફાઈ કામગીરી પણ આરંભી, 15 જુલાઈ સુધી સતર્ક રહેવા કલેકટરની અપીલ

વલસાડ (Valsad) જે વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે અને પાણી ઓસરવાની શરૂઆત થઇ છે તે વિસ્તારોમાં પણ જિલ્લા વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરી દીધી છે.

Valsad : પાણી ઉતરતા તંત્રએ શરુ કર્યો નુકસાનીનો સર્વે, સફાઈ કામગીરી પણ આરંભી, 15 જુલાઈ સુધી સતર્ક રહેવા કલેકટરની અપીલ
પાણી ઓસર્યા બાદ તંત્રએ નુકસાનનો સર્વે શરુ કર્યો
| Edited By: | Updated on: Jul 13, 2022 | 12:32 PM

સમગ્ર દક્ષિણ ગુજરાત માટે વરસાદની (Rain) ભારે આગાહીને પગલે જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અષાઢમાં સર્જાયેલી આ અતિવૃષ્ટિને કારણે તમામ જિલ્લા પાણી પાણી થઈ ગયા છે. જેની સૌથી વધારે અસર વલસાડ (Valsad) જિલ્લામાં જોવા મળી છે. છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે અહીં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જેને પગલે વહીવટીતંત્રએ પણ રેસ્ક્યુ, સ્થળાંતર સહિતની કામગીરી કરવી પડી હતી. કેટલાક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાઈ જતા લોકોને બચાવ કામગીરી કરવા માટે એનડીઆરએફની ટીમો (NDRF Team) પણ ઉતારવી પડી હતી.

રોગચાળો ફેલાવવાની ભીતિ

વલસાડમાં વરસાદી પાણીના ભરાવાને કારણે રોગચાળો ફેલાવવાની પણ ભીતિ દેખાઈ રહી છે. ત્યારે જે વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે અને પાણી ઓસરવાની શરૂઆત થઇ છે તે વિસ્તારોમાં પણ જિલ્લા વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે સફાઈ કામગિરી શરૂ કરી દીધી છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓછું થતા નગરપાલિકા ટીમના સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. તે જ પ્રમાણે વલસાડ પારડી બરોડીયા વાડમાં પણ જે વરસાદી પાણી ભરાવાની સ્થિતિ હતી ત્યાં પણ પરિસ્થિતિ થાળે પડતા સફાઈ કર્મચારીઓ દ્વારા તાકીદના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે.

નુકસાની અંગેના સર્વેની કામગીરી

આ ઉપરાંત જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વહીવટી તંત્રએ ટીમ બનાવીને નુકસાની અંગેના સર્વેની કામગીરી પણ શરૂ કરી છે. હજી પણ તારીખ 15 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય આકસ્મિક પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તે બાબતની માહિતી પણ જિલ્લા કલેકટર દ્વારા લોકોને આપવામાં આવી છે.

ભારે વરસાદની આગાહી

રાજ્યમાં મેઘો કહેર વર્તાવી રહ્યો છે.ત્યારે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં મેઘ તાંડવ યથાવત રહેશે. રાજ્યમાં આગામી 17 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. કચ્છ, દેવભૂમીદ્વારકા, જામનગર,રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ નિચાણવાળા વિસ્તારોમાંથી આગોતરું સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.. આ જિલ્લાઓમાંથી ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.રાજયમાં NDRF અને SDRFની 18-18 ટીમ તૈનાત કરાઈ છે.. રાજ્યમાં કુલ 18 જળાશય હાઈ એલર્ટ અને 8 જળાશયો એલર્ટ પર છે.

Published On - 9:27 am, Wed, 13 July 22