ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ત્રેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. અનેક જિલ્લામાં આકાશમાં વાદળો છવાયેલા છે, કેટલાક સ્થળોએ કમોસમી વરસાદી ઝાપટા પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કારણકે રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તો અન્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.
ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમા વરસાદી ઝાપટા પડ્યા છે. સુરત શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. શિયાળાની સીઝનમાં વરસાદ થતા ઠંડા પવનોની પણ અનુભૂતિ થઇ રહી છે. તો બીજી તરફ ભરૂચના જંબુસર સહીત ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. જંબુસર તાલુકાના કાવી ગામે કમોસમી વરસાદ પડ્યો છે. જો કે વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળ ઘેરાયા છે. માવઠાના કારણે ખેડૂતોના શિયાળું પાકને મોટું નુકસાન થવાની શકયતા છે.
ભાવનગરમાં વહેલી સવારે માવઠાની આગાહી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તાર વરસાદી ઝાપટાથી પાણી પાણી થઈ ગયા હતા. તો વડોદરાના સાવલી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ પડતા ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ટુંડાવ, લામડાપુરા, પાલડી, લસુન્દ્રા જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા હતા.
માવઠાની આગાહી સાથે સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી 24 કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની રહેશે. આગામી 24 કલાકમાં વરસાદ સાથે ઠંડીનો પણ અનુભવ થશે અને ઠંડીનો ચમકારો પણ યથાવત્ રહેશે.જોકે 28 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરમિયાન કેટલાક જિલ્લામાં તાપમાન 8 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. 29 જાન્યુઆરીથી ઠંડીમાં થશે વધારો થશે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ. પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવ ની આગાહી કરવામાં આવી છે.