SURAT : સુરત શહેરમાં કોરોના (CORONA) વાયરસના કેસોમાં ભારે ઉછાળો આવતા વહીવટીતંત્ર એકશન મોડમાં આવી ચૂકયુ છે. આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જિલ્લા કલેકટરે અને સુરત મહાનગરપાલિકા (SMC)ના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બાદમાં સુરત શહેરના મંત્રી પ્રભારી કનુભાઈ દેસાઈએ સુરત જિલ્લા કલેકટર અને સુરત પાલિકા કમિશનર અને સુરતના તમામ ધરસભ્યો સાથે બેઠક કરી હતી અને અનેક સૂચનાઓ આપવામાં આવી હતી.મંત્રી દ્વારા એ પણ નિવેદન આપવામાં આવ્યું કે હાલમાં સરકાર દ્વારા કોઈ લોકડાઉન (lockdown) કે આંશિક લોકડાઉન નહી કરવામાં આવે.
સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે આ બેઠકમાં પ્રભારી મંત્રીએ સુરત શહેર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, રેપીડ ટેસ્ટ, વેક્સીનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.સાથે બેઠકમાં તમામ માહિતી પણ આપવામાં આવી હતી.
તેમણે કહ્યું કે કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેરમાં સુરત શહેર જિલ્લામાં સારી કામગીરી કરવામાં આવી હતી. કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોન (OMICRON) સામે લડવા આપણને કોઇપણ બાબતમાં ચૂક કરવી પાલવે તેમ નથી. કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તે માટેની પૂર્વ તૈયારી જ કોરોનાને નાથવાં માટેનો ઉપાય છે.
જિલ્લામાં કોરોનાના બેડની સ્થિતિ, ઓક્સીજનની ઉપલબ્ધતા,જરૂરી દવાનો જથ્થો વગેરેની સમીક્ષા કરી આકસ્મિક સંજોગોમાં પુરતી તૈયારીઓ રાખવાં માટેની સૂચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી.
જ્યારે અંદરની માહિતીની વાત કરવામાં આવે તો સુરત શહેરના એક જ ધારાસભ્યએ મિટિંગમાં પ્રભારીને કહ્યું હતું કે જે મેળાવડા થાય છે તે થવા ન જોઈએ એટલે કે સુરતમાં જે સ્થિતિ છે તે ખરાબ છે, નહીં તો હજુ પણ કેસો વધી શકે છે જ્યારે આ બાબતે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવી શકે છે.
સુરતમાં આજે બપોર સુધીમાં 569 કેસ
કોરોના મહામારીના ત્રીજા તબક્કાની સંભવિત લહેર પર અંકુશ મેળવવા માટે રાજય સરકાર દ્વારા હવે આકરા નિર્ણયોની પ્રબળ શક્યતા વચ્ચે આજે 7 જાન્યુઆરીએ બપોર સુધીમાં જ સુરત શહેરમાં 569 નાગરિકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.ગુરૂવારે રેકોર્ડબ્રેક 1,105 કેસો બાદ આજે બપોર સુધીમાં 550થી વધુ કેસો નોંધાતા તંત્ર પણ સાબદું થઈ ગયું છે. આ સિવાય સિવિલ હોસ્પિટલમાં આજે કોરોનાગ્રસ્ત વધુ એક મહિલાનું મૃત્યુ થયું છે.
આ પણ વાંચો : આરોગ્ય કર્મચારીઓએ PPE કિટ પહેરવાની જરૂર નથી, N95 માસ્ક અને ફેસ શિલ્ડ પૂરતા છે: AIIMS ડિરેક્ટર રણદીપ ગુલેરિયા