ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) લઇને ભાજપ (BJP) જોર શોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યુ છે. ત્યારે હવે સુરત (Surat) શહેરમાં છેલ્લાં 20 વર્ષના ભાજપ શાસન દરમિયાન થયેલ વિકાસ કામોની ગાથા દર્શાવતી વિકાસયાત્રાનું આયોજન આગામી કરવામાં આવ્યુ છે. 5 જુલાઇ થી 19 જુલાઈ દરમિયાન ભાજપની વિકાસયાત્રા દર્શાવતો રથ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરશે. સરકારની સૂચના મુજબ શહેરના 30 વોર્ડ પૈકી દરેક વોર્ડમાં આ 15 દિવસ દરમિાન નિર્ધારિત સ્થળે વિકાસયાત્રા દર્શાવતો રથ મુકવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા તમામ શહેર અને જિલ્લાઓને આવરીને ’20 વર્ષનો વિશ્વાસ,20 વર્ષનો વિકાસ’ એ સૂત્ર સાથે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન શહેર જિલ્લા અને વહીવટી તંત્રને સોંપવામાં આવ્યું છે.જેના ભાગરૂપે સુરતમાં પણ ભાજપના શાસન દરમિયાન જે કામો થયા છે તે કામોની ઝાંખી દર્શાવતો રથ તમામ 30 વોર્ડમાં ફેરવવામાં આવશે. આ માટેની રૂપરેખા નક્કી કરવા મેયર અને કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન પણ કરવામાં આવશે.
સુરત કોર્પોરેશનમાં પણ ભાજપનું જ શાસન રહ્યું છે. અને આ દરમ્યાન સુરત શહેરમાં ઘણા મોટા પ્રોજેક્ટ સાકાર પણ થયા છે. ત્યારે સુરતના કયા પ્રોજેક્ટ નો સમાવેશ કરવો અને કઈ રીતે તેને લોકો સમક્ષ લઈ જવો તે તમામ બાબતોની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવશે. શહેરના તમામ 30 વોર્ડમાં 5 થી 19 જુલાઈના 15 દિવસો દરમિયાન આ વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવશે. સવારે 9.30 થી 11.30 દરમિયાન જે તે નિર્ધારિત કરાયેલા સ્પોટ ઉપર રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતીઓ પ્રદર્શિત કરતો રથ મુકવામાં આવશે. પદાધિકારીઓ જે-તે વિસ્તારના કોર્પોરેટરો, વોર્ડ સંગઠન અને ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
સંભાવના છે કે આ વિકાસ રથમાં કોર્પોરેશનના મહત્વના પ્રોજેક્ટ બીઆરટીએસ બસ સેવા, મેટ્રો પ્રોજેક્ટ, તાપી રિવરફ્રન્ટ, મલ્ટિલેયર ફ્લાય ઓવર બ્રિજ, ડુમસ બીચ ડેવલપમેન્ટ વગેરે જેવા પ્રોજેક્ટોને સમાવેશ કરવામાં આવે. સરકારની યોજનાઓની વિઝ્યુઅલ અને ઓડિયો સિસ્ટમથી માહિતી આપવા ઉપરાંત દરેક સ્પોટ પર ધારાસભ્યો અને પદાધિકારીઓને લોકોને એકત્ર કરીને સંબોધન કરવા જણાવાયુ છે. આમ, વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ સરકાર ના કામોને હવે લોકો સુધી લઈ જવા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.