SURAT : સુરતમાં ટ્રાફિક સમસ્યા નિવારવા રસ્તા વચ્ચે આવેલા સ્મારકોની જગ્યા નાની કરવાની શરૂઆત કરવામાં આવી છે. ટ્રાફિક જામની સમસ્યાને કારણે SVNIT જંક્શન પર જમ્બો આઇલેન્ડ તોડી પાડવામાં આવ્યું છે. પાલ – ઉમરાને જોડતાં નદી બ્રિજને કારણે અડાજણ – પાલ તરફથી આવતાં ટ્રાફિકને પગલે SVNIT જંક્શન પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ રહી છે.
SVNIT જંક્શન પર ટ્રાફિક આઇલેન્ડની સાઇઝ ખૂબ જ મોટી હોવાથી ટ્રાફિકની સમસ્યા ખાસ કરીને શનિવાર અને રવિવારના દિવસોમાં થઇ રહી છે. ઉમરા તરફના એપ્રોચ તરફથી આવતા અને પાર્લે પોઇન્ટથી પીપલોદ તરફ જતાં ટ્રાફિક વિશેષ રીતે પ્રભાવિત થઇ રહ્યું છે.
આ વિકટ સમસ્યાના કાયમી નિરાકરણ માટે SVNIT જંક્શન પર ફ્લાઇઓવર બ્રિજ બનાવવાની માગણી ઊભી થઇ હતી, પરંતુ આ માગણીને પગલે સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા તજજ્ઞો પાસે જરૂરી સર્વે કરાવી જમ્બો સાઇઝના SVNIT જંક્શન આઇલેન્ડને નાનુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ અંગે સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પરેશ પટેલે આ પ્રશ્નમાં વિશેષ રસ દાખવ્યો હતો અને SVNIT જંક્શન હાલ તોડી નખાયું છે અને આગામી સપ્તાહ સુધી જંક્શનની સાઇઝ નાની કરી દેવામાં આવશે. સ્થાનિકો અને આસપાસની સોસાયટીના રહીશો, સ્થાનિક કોર્પોરેટરો દ્વારા સુરત મહાનગરપાલિકાની આ કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.
સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય વ્રજેશ ઉનડકટ દ્વારા અઠવાગેટ જંક્શન આઇલેન્ડની સાઇઝ પણ નાની કરવાની માગણી કરવામાં આવી છે. જેથી નાનપુરા તરફથી આવતો ટ્રાફિક સીધો જ ડાઇવર્ટ થવાને બદલે અઠવાગેટ બાજુ જઇ શકે. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષે આ સૂચનના આધારે જરૂરી સર્વે કરી શક્યતા ચકાસવાની તૈયારી બતાવી છે. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષે જણાવ્યું કે ટ્રાફિકનું સરળીકરણ થઇ શકે તથા લોકોને બિનજરૂરી મોટો વળાંક લઇ આગળ જવું ન પડે તેવાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું Gujarat, મહારાષ્ટ્રને પણ પાછળ રાખી દીધું
આ પણ વાંચો : SURAT : આખરે બે દિવસ બાદ વાદળછાયું વાતાવરણ બદલાયુ, સુર્યદેવતાના દર્શન થતા લોકોએ હાશકારો અનુભવ્યો