સુરત (Surat ) શહેરમાં તાપી (Tapi ) નદીના બન્ને કાંઠે બનનાર તાપી રિવર ફ્રન્ટ (Riverfront ) પ્રોજેક્ટ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર સહિત ચાર અધિકારીઓની ટીમ આગામી દિવસોમાં નેધરલેન્ડ અને સ્પેન ખાતે સ્ટડી ટુર માટે જવાની છે. જે માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે. વર્લ્ડ બેંક દ્વારા સ્ટડી ટુરમાં સુરત મનપાના અધિકારીઓને ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જોકે, સામાન્ય સભા અને રાજ્ય સરકારની મંજુરીની ઔપચારિકતા બાદ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ત્યાં સાકાર થયેલ રિવર ફ્રન્ટ પ્રોજેક્ટની સ્ટડી ટુર અને સ્થળ મુલાકાત લેવામાં આવશે.
હાલમાં જ વર્લ્ડ બેંકના પ્રતિનિધિ દ્વારા આગામી 29 મેથી 5 જુન સુધી નેધર લેન્ડ અને સ્પેન ખાતે સ્ટડી ટુરમાં ભાગ લેવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, સીટી ઈજનેર આશિષ દુબે, ડે. મ્યુનિ. કમિશનર કમલેશ નાયક અને ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર મનીષ ડોક્ટરને આમંત્રણ મોકલવામાં આવેલ છે. સુરત શહેરમાં તાપી નદીના કાંઠે અંદાજે ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનાર તાપી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ અને રીજયુવીનેશન પ્રોજેક્ટના અમલીકરણ માટે આ વિદેશ યાત્રા ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. જે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગ પાલિકાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો પૈકીના એક રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક પાસેથી લોન મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેના ભાગરૂપે જ આ વિદેશ યાત્રાનું આયોજન કરવામાં આવશે. જેમાં નેધર લેન્ડ અને સ્પેનમાં સાકાર થયેલા રિવર ફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત સાથે તેના અભ્યાસ માટે કમિશનર સહિતની ટીમને સ્વયં વર્લ્ડ બેંક દ્વારા જ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર સહિત ચાર અધિકારીઓની ટીમના નેધરલેન્ડ અને સ્પેન ખાતે આગામી 29મી મેથી વિદેશ પ્રવેશ માટે વર્લ્ડ બેંક દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જો કે, આ વિદેશ પ્રવાસ પાછળ થનાર લાખો રૂપિયાનો ખર્ચ વર્લ્ડ બેંક દ્વારા જ ભોગવવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. જેમાં વિદેશ પ્રવાસ દરમ્યાન આવવા – જવાનું ભાડુ, રહેવાનો ખર્ચ, વીઝા ફી અને ટ્રાવેલ્સ ઈન્સ્યોરેન્સ સહિતનો તમામ ખર્ચ વર્લ્ડ બેંક દ્વારા ઉઠાવવામાં આવશે. આ સિવાય નેધર લેન્ડ અને સ્પેન ખાતે રિવર ફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત અને અભ્યાસ માટેની વ્યવસ્થા પણ વર્લ્ડ બેંક દ્વારા જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : Surat: ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં દોષિત ફેનિલને 5 મેના રોજ સંભળાવવામાં આવશે સજા
આ પણ વાંચો : સ્માર્ટ સિટી અમદાવાદમાં જ પાણી માટે વલખા મારે છે લોકો, ટેન્કર મગાવી પાણીની જરુરિયાત કરે છે પૂરી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો