ચેન્નઇ સુપર કિંગ્સ(CSK) ટીમની લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઉપર પ્રેક્ટિસ ચાલી રહી છે ત્યારે ધોનીને(Dhoni ) મળવા માટે અમદાવાદની એમ.એસ. ધોની ક્રિક્રેટ એકેડેમીમાં પ્રેક્ટિસ કરતો 22 વર્ષિય યુવક ધોનીને મળવા માટે બે દિવસથી સ્ટેડિયમની બહાર ઉભો રહ્યો હતો. જોકે તેની ધોની સાથે મુલાકાત નહીં થતા યુવકની આંખમાં આંસુ આવી ગયા હતા. હાલ આ યુવક પરત અમદાવાદ જવા નિકળી ગયો છે ત્યારે તેની ધોનીને મળવાની ઇચ્છા અધુરી રહી ગઇ છે. ક્રિકેટના ચાહકો તેમના મનગમતા ખેલાડી સાથે મુલાકાત થાય તેવી ઇચ્છા સાથે તકની રાહ જોતા હોય છે. આવો જ એક ચાહક મહેન્દ્રસિંહ ધોનીને મળવા માટે અમદાવાદથી સુરત આવી પહોંચ્યો હતો.
લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ચેન્નઇ સુપર કિંગ્સની પ્રેક્ટિસ મેચ દરમિયાન ધોની સાથે પ્રેક્ટિસ કરવા મળશે તેવી ઇચ્છા લઇને આવેલા મૂળ વલસાડનો અને હાલ અમદાવાદમાં રહેતો 22 વર્ષિય મૌલિક પંડ્યા સ્ટેડિયમની બહાર બે દિવસ રોકાયો હતો. તેણે ધોનીને મળવા પ્રયાસો કર્યા હતા, પરંતુ તેની મુલાકાત નહીં થઇ શકતા મૌલિક રડી પડ્યો હતો.
મૌલિકે જણાવ્યું હતું કે તે સ્ટેડિયમની બહાર બે દિવસ રહ્યો હતો, તે ધોનીનો બીગ ફેન છે. પરંતુ બે દિવસ અહીં રોકાયા બાદ પણ ધોની સાથે મુલાકાત નહીં થતા તે ભીની આંખો લઇ પરત ફર્યો હતો. નોંધનીય છે કે હાલ સુરત શહેરમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ આઈપીએલની પ્રેક્ટિસ માટે આવી છે. શહેરના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે આ ટીમ પ્રેક્ટિસ કરી રહી છે.
જોકે કોરોનાના કારણે ટીમને બાયો બબલમાં રાખવામાં આવી છે. જેનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. એટલે કે ટીમના કોઈપણ સભ્યને કોઈપણ વ્યક્તિ મળી શકશે નહીં. એટલું જ નહીં પ્રેક્ટિસ દરમ્યાન એક પણ ક્રિકેટ ચાહક અંદર ન પ્રવેશે તેના માટે પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટીમ જે હોટેલમાં રોકાઈ છે તે હોટેલનો આખો ફ્લોર પણ કડક સુરક્ષામાં રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Gandhinagar: સત્યાગ્રહ છાવણી ખાતે ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓનું આંદોલન
આ પણ વાંચો : Surat: ગ્રીષ્મા હત્યા કેસનો આરોપી ફેનીલ કોર્ટમાં બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયો, સ્વસ્થ થતાં ફરી કોર્ટમાં લઈ જવાયો