Surat: સુરતના સારોલી ચેકપોસ્ટ પાસેથી ઉત્તરપ્રદેશના એક યુવકને બે પિસ્તોલ અને એક મેગ્ઝિન સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. યુવક પાંડેસરામાં એમ્બ્રોઈડરીનું યુનિટ ચલાવતો હતો અને ઈન્દોરના સજ્જુ પરિહાર પાસેથી હથિયાર લાવ્યો હતો. પોલીસે ઉમાકાંત મૌર્ય નામના આ યુવકના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સ્ટાફના માણસો પહેલી તારીખે સવારે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા.
આ દરમિયાન બાતમીના આધારે કડોદરા તરફથી ચાલતાં ચાલતાં આવી રહેલા યુવકને અટકાયતમાં લેવાયો હતો. ઉમાકાંત રામજીત ચંદ્રરાજ મૌર્ય પાસેની કોલેજ બેગ ચેક કરી હતી. જેમાં કપડાની ગડી વચ્ચે સંતાડી રાખવામાં આવેલી દેશી હાથ બનાવટની બે પિસ્તોલ તથા એક મેગ્ઝિન મળી આવી હતી. પોલીસે 20 હજારની બે દેશી પિસ્તોલ અને 700 રૂપિયા કિંમતની મેગ્ઝિન કબજે લીધી હતી.
ઉત્તર પ્રદેશના ઝોનપુર જિલ્લાના શાહગંજના વતની ઉમાકાંત મૌર્યએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે તુલસીધામ સોસાયટી, દક્ષેશ્વર મંદિર પાસે પાંડેસરા સુરત ખાતે “આર. જે. ટેક્સટાઈલ્સ નામથી એમ્બ્રોડરી મશીન ચલાવે છે. આ અગાઉ તે ગંગોત્રી નગર સોસાયટી, બમરોલી, પાંડેસરા ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો. બેગમાંથી મળેલી પિસ્તલ તે મધ્યપ્રદેશના ઇન્દોરથી સજ્જુ પરિહાર નામના યુવક પાસે લાવ્યો હોવાનું પણ તેણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: Jamnagar : મનપાએ બગીચા માટે કાગળ પર જગ્યા તો ફાળવી દીધી પરંતુ 4 વર્ષમાં એકપણ વૃક્ષ ન વાવ્યુ- Photos
ઉમાકાંતે જેનાથી સજ્જુનો સંપર્ક કર્યો હતો એ મોબાઇલ નંબર પણ પોલીસને આપ્યો છે. ઉમાકાંત મૌર્ય બે પિસ્તોલ કયા ઇરાદે લાવ્યો હતો એ અંગે વિશેષ માહિતી પોલીસને આપી ન હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાનું જાણવા મળે છે. ઉમાકાંત કોના કહેવાથી, કયા ઇરાદે હથિયાર લાવ્યો, આ અગાઉ તે ગેરકાયદે હથિયાર લાવી અહીં વેચાણ કરી ચૂક્યો છે કે કેમ, તથા ગોરખધંધામાં તેની સાથે અન્ય કોઇ સંકળાયેલું છે કે કેમ એ મુદ્દે તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:55 pm, Mon, 2 October 23