આખા રાજ્યમાં કુપોષણનો (Malnutrition) મુદ્દો ખુબ ગંભીર છે. રાજ્ય સરકાર (State Government) દ્વારા છેલ્લા 15 વર્ષોથી કુપોષિત બાળકો માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે બાદ પણ હજી સુધી કુપોષિત બાળકોની સંખ્યા ઘટાડી શકાઈ નથી. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં 15 હજાર કરતા પણ વધારે કુપોષિત બાળકો હોવાની જાણકારી સામે આવ્યા બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સટીના રૂરલ સ્ટડીઝ વિભાગ દ્વારા એક રિસર્ચ શરૂ કરવામાં આવી છે.
આ વિભાગ દ્વારા રિસર્ચ કરવામાં આવશે કે છેલ્લા છ વર્ષમાં સરકારી યોજનાઓનો કુપોષણને નાથવા માં કેટલું અને કેવું પરિણામ મળ્યું છે. ડાંગમાં 252 બાળકો પર સંશોધન કરવામાં આવ્યું હતું. જેની પ્રાથમિક માહિતી પ્રમાણે 56 ટકા કુપોષિત બાળકોની માતાની 18 વર્ષ પહેલા લગ્ન થઇ ગયા હતા અને 44 ટકા કુપોષિત બાળકોની માતા 19 વર્ષ પહેલા જ ગર્ભવતી થઇ ગઈ હતી.
ડાંગમાં આજે પણ ગર્ભવતી મહિલાઓને નાના વાસણમાં ભોજન આપવામાં આવે છે. સરકાર જો લગ્નની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરે છે તો તેનાથી કુપોષણ થવાની સંભાવના ઘટી જાય છે. એવું આ રિસર્ચમાં સામે લાવવામાં આવ્યું છે. નાના વાસણમાં ભોજન આપવા પાછળનું કારણ એ છે કે વર્ષો પહેલા ડાંગમાં મેડિકલ સેવાઓ ઘણી ઓછી હતી.
ગર્ભવતી મહિલાઓને વધારે ભોજન આપવાથી બાળકનો વિકાસ ઝડપથી થશે અને ડિલિવરી દરમ્યાન માતાના જીવને ખતરો ઉભો થશે. આ કારણથી ગર્ભવતી બહેનોને નાની પ્લેટમાં ભોજન આપવામાં આવે છે. જોકે ડાંગમાં સમયની સાથે મેડિકલ સેવાઓ વિકસી છે છતાં પણ વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત છે. આ જ કારણ છે કે બાળકો કુપોષિત પેદા થઇ રહ્યા છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના પ્રાથમિક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે 85 ટકા બાળકોનું વજન અઢી કિલોથી પણ ઓછું છે. ડાંગમાં ગર્ભવતી મહિલાઓ પોતાના આરોગ્ય પર પૂરતું ધ્યાન નથી આપતી. તેમને પૌષ્ટિક આહાર પણ ખુબ ઓછું મળે છે. તેમના લગ્ન નાની ઉંમરે થવાથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ પણ અટકી જાય છે અને તેની અસર નવજાત બાળકના આરોગ્ય પર પડે છે. પૌષ્ટિક આહાર નહીં મળવાને કારણે બાળકને ગર્ભમાં પૂરતું પોષણ નથી મળતું.
આ પણ વાંચો : Surat : 31st ડિસેમ્બર માટે સુરત પોલીસ એક્શન મોડમાં, પરવાનગી વગર પાર્ટી કરનારાઓ પર રહેશે ખાસ નજર
આ પણ વાંચો : વધતા જતા કોરોના વચ્ચે સુરત આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર, જાણો શું શું કરી છે તૈયારીઓ