Surat : પાંચ પાંચ વર્ષથી પાણીની સમસ્યાથી પરેશાની, પુણાગામની મહિલાઓએ ફરી દર્શાવ્યો વિરોધ

લોકોએ (People ) ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો અમે પાલિકા કચેરી ખાતે મોરચો લઈને જઈશું. 

Surat : પાંચ પાંચ વર્ષથી પાણીની સમસ્યાથી પરેશાની, પુણાગામની મહિલાઓએ ફરી દર્શાવ્યો વિરોધ
Water Problem in Punagam (File Image )
| Edited By: | Updated on: Aug 31, 2022 | 8:56 AM

શહેરના વરાછા (Varachha ) ઝોન વિસ્તારમાં આવેલ હસ્તિનાપુર સોસાયટીના (Society ) રહેવાસીઓ દ્વારા પાણી મુદ્દે મનપા (SMC) વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માટલા અને ડોલ સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી મહિલાઓ દ્વારા સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી પાણી ન મળતું હોવાની ફરિયાદ સાથે મનપાના તંત્ર વિરૂદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર વરાછાના પુણા વિસ્તારમાં આવેલ હસ્તિનાપુર સોસાયટીમાં છાશવારે પાણીની સમસ્યા સર્જાવા પામે છે. આ અંગે વધુ એક વખત સ્થાનિક મહિલાઓ દ્વારા એકઠા થઈને મનપા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ – પાંચ વર્ષથી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છાશવારે સર્જાવા પામે છે.

આ અંગે અનેક વખત પાલિકાના અધિકારીઓને લેખિત – મૌખિક રજુઆત કરવા છતાં હજી સુધી કોઈ પણ પ્રકારના કાયમી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી નથી. એક તરફ આ વિસ્તારના રહેવાસીઓ પાસેથી મનપા દ્વારા વર્ષે દહાડે લાખ્ખો રૂપિયાનો વેરો વસુલ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ મુળભુત સુવિધા સમાન પાણી પુરવઠો પણ રાબેતા મુજબ પુરો પાડવામાં વહીવટી તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોવાનો આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

સ્થાનિક મહિલા રમાબેન પટેલનું કહેવું છે કે આ પહેલા પણ અસંખ્યવાર અમારે પાણીની ફરિયાદો રહી છે. ન તો કોઈ સ્થાનિક નગરસેવક દ્વારા અમને સાંભળવામાં આવે છે, ન તો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા, ના છૂટકે અમારે ટેન્કર મંગાવવું પડે છે. કોઈ કાયમી નિરાકરણ હજી સુધી લાવવામાં આવ્યું નથી.

અન્ય એક સ્થાનિક નું કહેવું હતું કે ભર ચોમાસે અમને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, કોર્પોરેશનના અધિકારીઓ ક્યારેક આવીને જોય જાય છે. પણ ટેક્નિકલ ફોલ્ટ શું છે તે આજ સુધી જાણી શકાયું નથી. જેના કારણે આ સમસ્યાથી અમને વારે વારે હેરાન થવું પડી રહ્યું છે. લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો અમે પાલિકા કચેરી ખાતે મોરચો લઈને જઈશું.