સુરત (Surat) શહેરના લિંબાયતમાં બુટલેગરોના(Bootlegar) ત્રાસથી એક પરિવાર નિઃસહાય સ્થિતિમાં પહોંચી ચુક્યું છે. રાત – દિવસ કાળી મજુરી કરીને ખરીદેલું ઘર હવે પાણીના ભાવ વેચવા માટે (Sell House) મજબુર એવા આ પરિવારની દયનીય સ્થિતિ સામે જાણે પોલીસ તંત્ર પણ લાચાર હોય તેમ જણાઈ રહ્યું છે. ઘર પાસે જ ચાલતા દારૂના અડ્ડાને કારણે માત્ર આ પરિવાર જ નહીં પરંતુ આસપાસના અન્ય નાગરિકોનું જીવન પણ દોહ્યલું બની જવા પામ્યું છે.લિંબાયતના સંજયનગર પાસે આવેલ આસ્તિક નગરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા દારૂના અડ્ડાને કારણે આસપાસના સભ્ય પરિવારોની હાલત કફોડી થવા પામી છે. માથાભારે બુટલેગરોના ત્રાસથી હવે લોકો નાછૂટકે પોતાના મકાનો વેચવા માટે મજબુર બન્યા છે.
અલબત્ત, આ અંગે હજી સુધી સ્થાનિક પોલીસ દ્વારા મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી. અસામાજીક તત્વોના ગઢ તરીકે કુખ્યાત લિંબાયત વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડાઓ કોઈ નવી વાત નથી પરંતુ આ તત્વોના ત્રાસથી જ્યારે કોઈ પરિવાર પોતાનું મકાન વેચવા મજબુર બને ત્યારે તે ખુબ જ ગંભીર બાબત ગણી શકાય તેમ છે.
હાલમાં જ લિંબાયત વિસ્તારમાં એક ધાર્મિક પ્રસંગ દરમ્યાન હાજરી આપવા માટે પહોંચેલા ધારાસભ્ય ઝંખનાબેન પટેલને પણ આવો જ કડવો અનુભવ થવા પામ્યો હતો. જ્યાં ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો હતો તેની બાજુમાં જ દારૂના અડ્ડાને બંધ કરાવવા માટે ખુદ ધારાસભ્યે લિંબાયત પોલીસને જાણ કરી હતી ત્યારે હવે લિંબાયત પોલીસ આ પ્રકરણમાં તલસ્પર્શી તપાસ કરીને મકાન વેચવા મજબુર બનેલા પરિવારને ન્યાય અપાવશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે.
સમગ્ર પ્રકરણ અંગે પોલીસ કમિશનર અજયકુમાર તોમરનું ધ્યાન દોરવામાં આવતાં તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના ખુબ જ ગંભીર છે. દારૂના અડ્ડાને કારણે ઘર વેચવા મજબુર બનેલ પરિવાર સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે, તાત્કાલિક આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેમ છતાં જો કોઈ અન્ય પરિવારોને પણ આ પ્રકારની હેરાનગતિ કરવામાં આવતી હોય તો તેઓ મારો રૂબરૂ સંપર્ક કરી શકે છે.
પીડિત પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઘર વેચવાનું બેનર લગાવ્યા બાદ બુટલેગરો દ્વારા જ અડધી કિંમતમાં મકાન ખરીદવાની ઓફર કરવામાં આવી હતી. માથાભારે બુટલેગરોએ ત્યાં સુધી ગર્ભિત ધમકી આપી રહ્યા છે કે અમારા સિવાય હવે આ વિસ્તારમાં કોઈ મકાન ખરીદી શકે તેમ નથી. જેને પગલે આ પરિવાર હવે નિઃસહાય અને લાચાર સ્થિતિમાં આવી ગયું છે.
સમગ્ર પ્રકરણમાં લિંબાયત વિસ્તારના એક સ્થાનિક આગેવાન દ્વારા આ સંદર્ભે સોશિયલ મીડિયામાં પર પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. જેને પગલે રાજકીય વર્તુળોની સાથે સાથે સમગ્ર વિસ્તારમાં ભારે તર્ક – વિતર્ક થવા પામ્યા હતા. એક તરફ ભાજપના જ અગ્રણી કાર્યકર દ્વારા આ પ્રકારે સોશિયલ મીડિયામાં પીડિત પરિવારની રજુઆતને વાચા આપવામાં હવે આ પ્રકરણમાં પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી રજુઆત પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
Published On - 7:01 pm, Sat, 7 May 22