સુરત(Surat)શહેરના સરસાણા ખાતે કન્વેન્શન સેન્ટર ખાતે આગામી 18મીથી ત્રણ દિવસીય સ્માર્ટ સિટીઝ – સ્માર્ટ અર્બનાઈઝેશન(Smart City) સંદર્ભે ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સની માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં યોજાનાર આ કાર્યક્રમમાં દેશભરના 100 સ્માર્ટ સિટીના સી.ઈ.ઓ., મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ – પદાધિકારીઓ સહિત કેન્દ્રીય મંત્રીઓ સુરતના મહેમાન બનશે. આ સંદર્ભે આજે સાયન્સ સિટી ખાતે યોજાયેલ એક પત્રકાર પરિષદ દરમ્યાન શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) દ્વારા શરૂ કરવામાં આવેલ સ્માર્ટ સિટી મિશનના સમારોહનું યજમાન બનવાનું સુરત જે સન્માન પ્રાપ્ત થયું છે તે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે.
સરસાણા કન્વેશન હોલ ખાતે આગામી 18મી એપ્રિલના રોજ પહેલા દિવસે સ્માર્ટ સિટી સમિટ – 2022 અંતર્ગત એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. જેમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ વિવિધ શહેરો દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ કામગીરી માટે એવોર્ડ વિતરણ કરવામાં આવશે. જેમાં સિટી એવોર્ડ, ઈનોવેટીવ, એવોર્ડ અને પ્રોજેક્ટ એવોર્ડ એમ કુલ ત્રણ કેટેગરીમાં 51 એવોર્ડ એનાયત કરવામાં આવશે. ત્યારબાદ 19મી તારીખના રોજ સવારે 10 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી વિવિધ ઓપન હાઉસ ચર્ચા અને ટેક્નીકલ મુદ્દાઓને આવરી લેતા પાંચ અલગ – અલગ થીમનું આયોજન કરવામાં આવ્યું છે. ડિજીટલ ગવર્નન્સ, રીઈમેજીનીંગ પબ્લિક સ્પેસીસ એન્ડ પ્લેસ મેકિંગ, પ્રોક્યોર ઈનોવેશન, ક્લાઈમેટ સ્માર્ટ સિટીઝ અને સ્માર્ટ ફાઈનાન્સ થીમ પર કન્વેન્શન સેન્ટર ખાતે બનાવવામાં આવેલા પાંચેય પેવેલિયમમાં થીમને લગતી એક્ટિવિટી જેમ કે ટોક – શો, ગ્રુપ ચર્ચાનું આયોજન કરવામાં આવશે. જ્યારે કાર્યક્રમના અંતિમ દિવસે એટલે 20મી તારીખના રોજ દેશભરમાંથી આવેલા ડેલીગેટ્સને શહેરના સ્માર્ટ સિટી મિશન હેઠળ સાકાર કરવામાં આવેલા પ્રોજેક્ટોને અનુલક્ષીને સાઈટ વિઝીટનું આયોજન કરવામાં આવશે.
આ સમિટ ફક્ત સુરતીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે પણ ગૌરવની વાત છે. એક તરફ શહેરમાં વસ્તીનું ભારણ વધી રહ્યું છે ત્યારે આ શહેરોમાં માળખાગત સુવિધાઓ ઉભી કરવા માટે આ મિશન સૌથી મહત્વપૂર્ણ પરિબળ સાબિત થઈ રહ્યું છે. રાજ્યમાં હાલ 13 હજાર કરોડ રૂપિયાનું ભંડોળ સ્માર્ટ સિટી મિશન હેઠળ મળ્યું છે અને રાજ્યના નાના શહેરોના વિકાસ માટે પણ આયોજન કરવામાં આવ્યું રહ્યું છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી સ્માર્ટ સિટી સમિટ 2022ના આયોજન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી 18મીથી ત્રણ દિવસીય કાર્યક્રમ દરમ્યાન 10થી વધુ કેન્દ્રીય મંત્રીઓ સહિત 700થી વધુ ડેલીગેટ્સ ઉપસ્થિત રહેશે. આયોજન દરમ્યાન કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા રાત – દિવસના ઉજાગરા કરવામાં આવી રહ્યા છે.
સોમવારથી શરૂ થનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી હરદીપસિંહ પુરી, મનસુખ માંડવીયા, ડી. કિશન રેડ્ડી, રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન જરદોસ સહિત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને રાજ્યના કેબિનેટ મંત્રીઓ – પ્રભારી મંત્રી ઉપસ્થિત રહેશે. આ સિવાય નીતિ આયોગના સીઈઓ, 100 સ્માર્ટ સિટીના મ્યુનિસિપલ કમિશનર, ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર, ચીફ ડેટા ઓફિસર, સિનિયર અધિકારીઓ અને વિવિધ વિષયના તજજ્ઞો મળીને 700થી વધુ મહેમાનો કાર્યક્રમમાં ભાગ લેનાર છે.
કાર્યક્રમની રૂપરેખા અંગે માહિતી આપતાં મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધસ્તરે કાર્યક્રમને સફળ બનાવવા માટે હરસંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરસાણા કન્વેશન સેન્ટર ખાતે યોજાનારા કાર્યક્રમ દરમ્યાન અલગ – અલગ થઈમ પર પેવેલિયનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જે પૈકી ગુજરાત ગૌરવ પેવેલિયમ અતિથિઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પહેલા દિવસે સ્માર્ટ સિટી એવોર્ડમાં ત્રણ અલગ – અલગ કેટેગરી 51 એવોર્ડ એનાયત કરવામાં આવશે. જે પૈકી સુરત શહેરને ત્રણ એવોર્ડસ એનાયત થશે. આ સિવાય સમિટ દરમ્યાન આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પીકર પણ કોન્ફરન્સને સંબોધન કરશે.
1. ડિજિટલ ગવર્નન્સ
2. રીઇમેજીનીંગ પબ્લિક સ્પેસીસએન્ડ પ્લેસ મેકિંગ
3.પ્રોક્યોર ઇનોવેશન
4. કલાઇમેટ સ્માર્ટ સિટીઝ
5. સ્માર્ટ ફાઈનાન્સ
આ પણ વાંચો : અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટે રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો, માત્ર 75 દિવસમાં સાડા 3 કિ.મી.ના રન-વેનું કામ પૂર્ણ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો