
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગોલ્ડનો અત્યાર સુધીનો સૌથી મોટો કેસ DRI દ્વારા કરાયો છે. DRI એ ત્રણ કેરિયરને પકડી 48 કિલો જેટલું સોનું કબજે કર્યું છે. દુબઇથી ગોલ્ડ સ્મલીંગના આ રેકેટમાં સુરત પોલીસના ફોજદાર પગાર દવેની સંડોવણી બહાર આવતાં ચકચાર મચી છે.
દવે સુરત પોલીસ તરફથી એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસર તરીકે ફરજ બજાવતાં હતાં. દવે અગાઉ કોન્સ્ટેબલ તરીકે પણ સુરતમાં કાર્યરત હતાં. ક્રાઇમ બ્રાન્ચમાં લાંબી નોકરી ચૂકેલા દવે ત્યાંથી જ PSIની પરીક્ષા પાસ કરી હતી. કોસંબા પોલીસ મથકમાં સસ્પેન્ડ થયેલા દવે ત્યાંથી વડોદરા ખસેડાયા હતા. વડોદરાથી તેમણે સુરત બદલી કરાવી હતી. આ દવેને સુરત એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસર તરીકે ફરજ સોંપાઇ હતી.
DRI દ્વારા પકડવામાં આવેલા ખેપિયાઓએ સુરત એરપોર્ટ પર ફોજદાર પરાગ દવેનો સંપર્ક સાધ્યો હતો. આ ખેપિયાઓ દવેના સંપર્કમાં કંઇ રીતે આવ્યા એની તપાસ કરાઇ હતી. DRI ના સૂત્રો અનુસાર દુબઇથી આ સોનું મોકલનાર સિન્ડીકેટ દ્વારા જ ખેપિયાઓને પરાગ દવેનો રેફરન્સ અપાયો હતો.
સુરત ઍરપોર્ટ પર દવેનો સંપર્ક કરવા કહેવાયું હતું. દવેને ખેપિયાઓ સરળતાંથી ઓળખી શકે એ માટે તેમને તેનો ફોટો પણ દુબઇમાં જ બતાવાયો હતો. ખેપિયાઓએ તેમને દવેનો ફોટો બનાવનાર વ્યક્તિ અંગે પણ મહત્વની માહિતી આપી હોવાનું જાણવા મળ્યું છે. PSI પગાર દવેના આ ગોલ્ડ સ્મગલર સાથેના સંબંધો અને સ્મગલિંગ રેકેટમાં ભૂમિકા પણ હવે DRI માટે તપાસનો મુદ્દો બની છે.
ગોલ્ડ સ્મલીંગ રેકેટ ઍરપોર્ટ સ્ટાફ કે અધિકારીઓની સંડોવણી વિના શક્ય નથી એવી સતત ચાલી આવતી ચર્ચાને આજે આધાર અને પુરાવા મળી ગયા છે. DRI દ્વારા જે કેસ કરાયો. તેમાં દિલ્હીથી મોનેટરિંગ થયાનું જાણવા મળે છે.
દિલ્હી યુનીટની પાકી બાતમીના આધારે ખેપિયાઓને પકડાયા તો ખરા પરંતુ સોનું ઓછું મળ્યું હતું. જેને લઇ તેઓની ગતિવિધી તપાસવા એરપોર્ટના cctv કેમેરા ચેક કરાયા હતાં. જેમાં વોશ એરિયામાં તેઓની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી.
અહીં આ ત્રણ ખેપિયાઓ સાથે ચોથા વ્યક્તિની પણ હાજરી અને ગાઇડ તરીકેની મૂવમેન્ટ તપાસના દાયરામાં આવી હતી. એ ચોથો વ્યક્તિ દવે હતો. cctv ફૂટેજની કડી મળતાં વોશરૂમ ચેક કરાયો અને વધુ સોનું મળી આવ્યું હતું.
આ પણ વાંચો : Breaking News : ગુજરાતમાં સોનાની દાણચોરીને લઇને DRIની મોટી કાર્યવાહી, સુરત એરપોર્ટ પરથી 48 કિલો ગોલ્ડ પેસ્ટ જપ્ત
ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ખેપિયાઓ સામેની કાર્યવાહીમાં DRI દ્વારા સુરત જિલ્લા મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાનું માર્ગદર્શન લેવાયું હતું. રિમાન્ડની પ્રોસીજર તેમની દેખરેખ હેઠળ થઇ હતી. આમ તો સુખડવાલા છેલ્લા પાંચેક દિવસથી અડાજણ બાપ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમણે હર્નિયાનું ઓપરેશન કરાવ્યા બાદ ચેકઅપ કરાવતાં હૃદયની બે નસમાં બ્લોકેજ જણાયુ હતું. જેમાં બલૂન અને સ્ટેન્ડથી સારવાર કરાઇ હતી. નયન સુખડવાલાને સોમવારે બપોર પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા, તેઓ હોસ્પિટલથી ઘરે જવાની જગ્યાએ સીધા કોર્ટ પહોંચ્યા અને રિમાન્ડ માટે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો