સુરત (Surat )શહેરના વેસુ વોર્ડ ઓફિસમાં ફરજ બજાવતાં સફાઈ કામદાર(Sweeper ) આજે સવારે ઝાડીમાંથી સવા લાખ રૂપિયાની કિંમતનો મોબાઈલ(Mobile ) ફોન મળી આવતાં ચોંકી ઉઠ્યા હતા. આ સંદર્ભે તેઓએ પોતાના અધિકારીનું ધ્યાન દોરતાં અંતે ભારે જહેમત બાદ મોબાઈલ ફોન મુળ માલિકને પરત કરવામાં આવ્યો હતો.
આ સંદર્ભે વધુ માહિતી આપતાં સેનેટરી ઈન્સ્પેક્ટર પિયુષ પટેલે જણાવ્યું હતું કે, અઠવા ઝોનના વેસુ વોર્ડ ઓફિસ ખાતે ફરજ બજાવતાં સફાઈ કામદાર રાકેશ રાઠોડ આજે રાબેતા મુજબ કામગીરી કરી રહ્યા હતા. આ દરમ્યાન તેઓને વેસુ ફાયર સ્ટેશન રોડ પાસે આવેલ ફુટપાથ નજીક ઝાડીમાં એક કપડામાંથી સેમસંગ કંપનીનો 1.25 લાખ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.
જો કે, મોબાઈલ ફોનમાં સીમકાર્ડ ન હોવાને કારણે તેઓએ મોબાઈલ ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલા નંબરો પર સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન મુળ માલિકના મિત્ર સાથે વાત થતાં તેઓએ મોબાઈલ ફોન ચોરી થયો હોવાની વાત જણાવી હતી. અંતે સફાઈ કામદાર રાકેશભાઈ અને એસ.આઈ. પિયુષ પટેલે મોબાઈલ ફોનના મુળ માલિક એક હોટલમાં રોકાયેલા મહેશભાઈ ઈટાલિયાને તેઓનો મોબાઈલ ફોન પરત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સેલિબ્રેશન હોટલમાં રોકાયેલા મહેશભાઈ ઇટાલિયાનો મોબાઈલ ફોન ગત છઠ્ઠી તારીખે ચોરી થયો હતો. જે સંદર્ભે તેઓએ જે તે સમયે સ્થાનિક પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી. જો કે, પકડાઈ જવાના ડરથી મોબાઈલ ચોરે આ ફોન કપડામાં લપેટીને ઝાડીમાં ફેંકી દીધો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે સવારે રાકેશ રાઠોડ ઝાડીમાંથી કપડાને ફેંકવા જતાં તેમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. આમ સફાઈ કામદારની ઈમાનદારીથી સૌ પ્રભાવિત થયા છે. સવા લાખ રૂપિયાનો મોબાઈલ ફોન પરત મળતા માલિકે પણ સફાઈ કામદારનો ખુબ આભાર માન્યો હતો. અને તેની કામગીરીને બિરદાવીને ઇનામ પણ આપ્યું હતું.
આ પણ વાંચો :