અમદાવાદ (Ahmedabad) બાદ સુરત (Surat) શહેરમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. સરકારે હાલમાં જ રાજ્યમાં કેટલાક નિયંત્રણો લાદ્યા છે. એક તરફ કોરોનાના કેસો અને બીજી તરફ પ્રતિબંધોએ કામદારોમાં લોકડાઉનને લઈને ચિંતા જોવા મળી રહી છે. જેમાં સુરતમાં રહેતા પરપ્રાંતિય કામદારો પોતાના વતન જવાનો માર્ગ અપનાવી રહ્યા છે. સુરત રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં કામદારો પોતાના વતન પરત ફરી રહ્યા છે.
કોરોનાની પ્રથમ અને બીજી લહેર પછી આવી જ સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે કામદારોને તેમના વતન પાછા ફરવાની ફરજ પડી હતી. સુરત રેલ્વે સ્ટેશન પર ઘણા કામદારોને લોકડાઉનના ડરથી તેમના વતન પરત ફરવાની ફરજ પડી છે. કામદારોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મિલ માલિકોએ 1 જાન્યુઆરીથી કેટલાક કામદારોને જોડાવાની ના પાડી દીધી છે.
જેમ જેમ કોરોનાના કેસો વધી રહ્યા છે, તેમ શહેરમાં ઘણા મિલ માલિકો કામદારોને રાખવાનો ઈનકાર કરી રહ્યા છે. લોકડાઉનના ભયે કામદારોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તાજેતરમાં મુંબઈ રેલ્વે સ્ટેશન પર કામદારોની હિજરતનો નજારો જોવા મળ્યો હતો. મુંબઈ બાદ કોરોનાના કેસોની વધતી જતી સંખ્યા અને ત્રીજા મોજામાં લોકડાઉનના કારણે હવે સુરતમાંથી પણ કામદારો ધીરે ધીરે સ્થળાંતર કરી રહ્યા છે.
સુરત રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં મોટી સંખ્યામાં કામદારો જઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના અન્ય રાજ્યોમાંથી શ્રમિકો રોજગારી માટે સુરત આવે છે. એવા સમયે જ્યારે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, મિલ માલિકો કામદારોને નોકરીમાંથી કાઢી રહ્યા છે, આવી સ્થિતિમાં કામદારોની હાલત કફોડી બની છે.
આ સંદર્ભે રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પહેલા જ સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં હાલ કોઈ લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. જોકે, સુરતથી કામદારોની હિજરત શરૂ થઈ ગઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે દેશના અન્ય રાજ્યોમાંથી લાખો કામદારો ટેક્સટાઈલ ઉદ્યોગમાં કામ કરવા ગુજરાતના સુરત શહેરમાં આવે છે.
પહેલી લહેરમાં લોકડાઉનને કારણે કામદારો માટે ખાવા-પીવાની સમસ્યા હતી. બાદમાં બીજા વેવમાં કોરોના ચેપને કારણે સુરતમાં કોરોના પોઝિટીવની સંખ્યા એટલી હદે વધી ગઈ હતી કે સુરત શહેરની તમામ ખાનગી હોસ્પિટલો ખીચોખીચ ભરાઈ ગઈ હતી. તે સમયે વેન્ટિલેટર પણ મળશે કે કેમ એ એક પ્રશ્ન થઈ ગયો હતો.
સુરતમાં ટેક્સટાઈલ સહિતના અનેક મોટા ઔદ્યોગિક એકમોમાં દેશના વિવિધ રાજ્યોમાંથી રોજગાર મેળવવા લાખો લોકો વસે છે. પહેલી અને બીજી લહેર દરમ્યાન પરપ્રાંતિય કામદારોની સ્થિતિ ખૂબ જ દયનીય હતી. પોતાના વતન પાછા જવા માટે તેને ઘણું સહન કરવું પડ્યું. શહેરના ડિંડોલી, ગોડાદરા, ઉધના, પાંડેસરા વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય કામદારો રહે છે. જેમનામાં ધીરે ધીરે હવે હિજરત થવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
આ પણ વાંચો : Surat : VNSGUના B.Com.ના વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં રૂ. 200-200ની નોટ મૂકીને લખ્યું મને વધારે આવડતું નથી
આ પણ વાંચો : સુરત : કેમિકલ ગેસ લિકેજ કેસમાં GIDCના PI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ, 14 પોલીસ કર્મીઓની બદલી