
ગુજરાતના સુરત શહેરનો ડાયમંડ ઉદ્યોગ આમ તો વિશ્વમાં જાણીતો બન્યો છે, જો કે ડાયમંડના અભ્યાસ માટે દેશ-વિદેશથી આવતા વિદ્યાર્થીઓ સુરતમાં અભ્યાસ લેવાનું પસંદ કરતા નથી. તેની પાછળ સુરતમાં આવેલી ડાયમંડ યુનિવર્સિટીની કંગાળ હાલત છે. સ્થાનિક ડાયમંડના આગેવાનો દ્વારા રજૂઆત સરકારમાં કરવામાં આવી હોવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
સુરત શહેર માટે એક વાત કહેવામાં આવે છે કે વિશ્વના 100માંથી 90 હીરા સુરતમાં તૈયાર થાય છે. ડાયમંડ ઉદ્યોગ વિશ્વનો મોટાભાગનો કટિંગ અને પોલીસીનું કામ સુરત શહેરમાં થતું હોવાને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સ્કિલ ડેવલોપિંગ માટે સુરત ખાતે દેશભરમાં એકમાત્ર ડાયમંડ યુનિવર્સિટી શરૂ કરી છે.
જોકે આ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં ડાયમંડ ઉદ્યોગમાં પોતાનું અલગ નામ ઊભું કર્યું છે. ડાયમંડ ઉદ્યોગ સુરતમાં સૌથી મોટા પ્રમાણમાં છે, ત્યારે સરકાર દ્વારા યુનિવર્સિટી તો શરુ કરવામાં દેવામાં આવી હતી. તેની અંદર કોઈપણ જાતની સહાય ભૂતકાળમાં આપવામાં આવતી હતી, પણ ત્યાર પછી અત્યારની સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે.
અહીં કોઈ સુવિધાઓ આપવામાં નથી આવતી, જેને લઈને તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. અભ્યાસ માટે આવતા દેશ વિદેશના વિદ્યાર્થીઓ એન્ટ્રી તો કરે છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને અહીંયા અભ્યાસ કરવાનું ટાળતા જોવા મળી રહ્યા છે. આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો દેશનું એકમાત્ર ડાયમંડ યુનિવર્સિટી આગામી દિવસમાં મરણ પથારીએ પહોંચે તેવી શક્યતાઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
સુરત શહેરના ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના આગેવાન અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના હાલના આગેવાન દિનેશ નાવડીયા દ્વારા સરકારમાં ઘણીવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની સહાય મળતી નથી. ત્યારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યુનિવર્સિટી ગમે ત્યારે બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ પર છે. જોકે આ યુનિવર્સિટીમાં અંગૂઠાછાપ વ્યક્તિ પણ પોતાનો અભ્યાસ કરી મહિને લાખ રૂપિયા કમાતો જોવા મળ્યો છે. ત્યારે આ યુનિવર્સિટીને ફરી વખત બેઠી કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે જોવાનું કે સરકાર આ બાબતે કેટલો સહયોગ કરે છે.