રાજ્યમાં અને સુરત શહેરની અંદર વ્યાજખોરોનો ખૂબ જ ત્રાસ જોવા મળી રહ્યો હતો. તેના કારણે અનેક લોકોએ આપઘાત પણ કર્યા છે. આ બાબતને ગંભીરતાથી લેતા હવે સુરત પોલીસ દ્વારા પણ વ્યાજખોરો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમજ જરૂરિયાતમંદ લોકોને ઓછા દરે વ્યાજ મળી રહે તેના માટે નવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. સુરતની અલગ અલગ 8 બેંકો સાથે પોલીસે કોર્ડીનેશન કરી લોકોને સરળતાથી લોન મળી રહે તે માટે આયોજન કર્યુ છે. આ કેમ્પ બે દિવસ સુધી ચાલશે. આ કેમ્પની સુરત પોલીસ કમિશનર અજય તોમર પણ મુલાકાત લીધી હતી અને લોકો સાથે ચર્ચા કરી હતી અને પોલીસ અધિકારીઓ પણ સતત લોકોને ફોર્મ ભરવા માટે મદદ રૂપ થઇ રહ્યા છે.
સુરત પોલીસના કોમ્યુનિટી હોલમાં આજે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોન લેવા માટે લોકો હાજર રહ્યા હતા. મોટાભાગે વ્યાજખોરોને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હતા. તેનાથી મુક્તિ આપવા માટે નવા અભિગમ સાથે સુરત પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે લોકોને લોનની જરૂરિયાત છે તેઓ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અહીં જોડાયા હતા.
પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે રીતસરનો લોકોનો ધસારો જોવા મળ્યો હતો. લોન મેળામાં અલગ અલગ પ્રકારની લોન માટેનું આયોજન થયું હતું. જેમાં પર્સનલ લોન, કિશન સાથી યોજના અંતર્ગત લોન, પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના મુદ્રા લોન એક્સપ્રેસ ક્રેડિટ સામાજિક સહાય માટેની લોન આપવામાં આવી રહી છે. ખૂબ જ ઓછા દરથી લોન મળે જેથી કરીને દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબનું કામ આગળ વધારી શકે.
આ મેળાની અંદર સુરત શહેરના કેટલાક એવા પણ લોકો જોવા મળ્યા કે જેમણે રૂપિયાની જરૂરિયાત હોવાથી ખાનગી લોકો જેવા કે વ્યાજ વટાવનો વ્યવસાય કરતા લોકો પાસેથી ઊંચા વ્યાજ દરે રૂપિયા પણ લેવા પડ્યા હતા, પણ સરકાર તરફથી આજે વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે પોલીસ દ્વારા લોન માટે લોકોને મદદ કરવામાં આવી રહી છે. તેમાં લોકો મોટી સંખ્યામાં લોન લેવા માટે આવતા જોવા મળ્યા હતા. અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર જે લોકો સંપર્ક કર્યો હતો, તે પોલીસ સ્ટેશન દ્વારા તમામ લોકોને આ બે દિવસ કેમ્પની અંદર સરળતાથી લોન મળે તે માટે ફોર્મ ભરવામાં મદદરૂપ થયા હતા અને ડોક્યુમેન્ટ જમા કરાવી અને થોડા દિવસોની અંદર લોકોને લોન મળે તે માટે પ્રયત્ન પોલીસ દ્વારા કર્યો છે.