સુરત (Surat ) જ નહીં સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર તક્ષશિલા (Takshshila) હોનારતમાં મોતને ભેટેલા 22 માસુમ બાળકોને શ્રદ્ધાંજલિ અને સ્મરણ માટે શાસકો દ્વારા સ્મારક (Monument ) બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ દ્વારા બજેટની ચર્ચા દરમ્યાન આ માસુમ બાળકોને શહીદ ગણાવતાં ભારે વિવાદ ઉઠ્યો હતો. ભ્રષ્ટાચારના પાપે મોતને ભેટેલા આ ભુલકાઓને શહીદ ગણાવતાં થયેલા વિવાદને પગલે પરેશ પટેલે અંતે શહીદ શબ્દ સંદર્ભે ખેદ વ્યક્ત કર્યો હતો.
પાલિકાના સને 2022-23ના બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા શહેરના છેવાડે આવેલા સરથાણામાં તક્ષશિલા કોમ્પલેક્ષમાં સર્જાયેલ ગમખ્વાર હોનારતમાં મોતને ભેટેલા 22 માસુમ બાળકોને શ્રદ્ધાંજલિ માટે સ્મારક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાણી સંગ્રહાલય પાસે ગણેશ ડેરીની બાજુમાં અથવા આસપાસના વિસ્તારમાં આ માસુમ બાળકો માટે સ્મારક બનાવવામાં આવશે.
જો કે, બજેટની ચર્ચા દરમ્યાન પરેશ પટેલ દ્વારા માસુમ બાળકોને શહીદ ગણાવતા ભારે વિવાદ ઉઠ્યો હતો. પાલિકાના અધિકારીઓના ભ્રષ્ટાચારના પાપે મોતને ભેટેલા આ બાળકો હકીકતમાં પાલિકાની ગંભીર બેદરકારી છતિ કરે છે તેમ છતાં શાસકો દ્વારા આ બાળકોને શહીદ તરીકે ખપાવવાનો વિરોધ ઉઠ્યો હતો. જેને પગલે અંતે સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ દ્વારા બજેટમાં ઉલ્લેખ કરવામાં આવેલ શહીદ શબ્દ પ્રત્યે ખેદ વ્યક્ત કર્યો હતો.
યુનિફોર્મ કલર કોડ થકી સરકારી શાળાઓને વિશેષ ઓળખ
સુરત મહાનગર પાલિકા સંચાલત નગર પ્રાથમિક શિક્ષણ સિમિતની શાળાઓના મકાનોમાં જો શક્ય હોય તો વધુ એક – બે માળનું વધારાના બાંધકામ સાથે ચાર માળથી ઉંચી ઈમારતોમાં લિફ્ટની વ્યવસ્થા કરવાની પણ બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
હાલમાં સ્ટેબિલીટી રિપોર્ટના આધારે 138 શાળાઓ પૈકી પહેલા તબક્કામાં પ્રત્યેક ઝોનમાં 10 શાળા મુજબ કુલ 90 શાળાઓમાં વધારાના માળ બનાવવા માટે 90 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય શહેરની 300થી વધુ નગર પ્રાથમિક શિક્ષણ સિમિતની શાળાઓને હવે એક જ કલરનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે શહેરની સરકારી શાળાઓને યુનિફોર્મ કલર કોડ થકી વિશેષ ઓળખ ઉભી થઈ શકશે.
બ્રિજ નીચે થતાં દબાણો પણ દુર થશે
સિટી ઓફ બ્રિજ તરીકે ઓળખાતા સુરત શહેરમાં બ્રિજ નીચે કાયમી દબાણો મનપાના તંત્ર માટે હંમેશા સિરદર્દ સાબિત થઈ રહ્યું છે. આ સ્થિતિમાં હવે શાસકો દ્વારા બ્રિજ નીચે થતાં દબાણો દુર કરવાની સાથે જે તે બ્રિજના બ્યુટીફિકેશન માટે પણ પીપીપી ધોરણે આપવાની સાથે વધારાની આવક ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલમાં જ પાર્લે પોઈન્ટ ખાતે બ્રિજના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ હવે શાસકો દ્વારા આ ખોટી દિશામાં આગળ વધવાને બદલે પીપીપીના ધોરણે બ્રિજના બ્યુટિફિકેશનની જવાબદારી સોંપવાની સાથે વધારાની આવક પણ ઉભી કરવામાં આવશે. બ્રિજ નીચે થતાં દબાણો દુર કરવા માટે પણ આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
શહેરમાં સાતથી વધુ બ્રિજ માટે પણ આયોજન હાથ ધરાશે
શહેરના વિવિધ ઝોન વિસ્તારોમાં ટ્રાફિકની પારાવાર સમસ્યાને ધ્યાને રાખીને સાતથી વધુ બ્રિજ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. શહેરના વરાછા મેઈન રોડ – શ્રીનાથજી બ્રીજને જોડતો પોદ્દાર આર્કેડ ચાર રસ્તાને ક્રોસ કરતો ઓવરબ્રીજ, વરાછા બ્રીજને જોડતો રેલવે ફ્લાય ઓવર બ્રિજ, વલ્લભાચાર્ય હીરાબાગને જોડતો ફ્લાયઓવર બ્રિજ, ડિંડોલી ખાતે સાંઈ પોઈન્ટ ખાતે બ્રીજ, મહારાણા પ્રતાપ બ્રીજ, ગોડાદરા અને સુરત કડોદરા રોડ પર ભરત કેન્સર હોસ્પિટલને સંલગ્ન ફ્લાય ઓવર બ્રીજ અને રતનમાળા બ્રીજ – કતારગામ સહિત અન્ય સ્થળોએ બ્રીજ માટે ફિઝીબીલીટી રિપોર્ટ મેળવીને કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો :