સુરત (Surat ) શહેરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ટ્રાફિક (Traffic ) સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને સુરત રેલ્વે સ્ટેશન (Station ) તરફ જવાના રોડ પર અડધેથી પોણો કલાક સુધી વાહન વ્યવહારમાં ટ્રાફિક જામ લાગી જાય છે. જેના કારણે કેટલા રેલવે યાત્રીઓની પોતાને ટ્રેન ચૂકી જતા હોવાનું પણ જાણવા મળ્યું છે. છેલ્લા પાંચ-છ દિવસથી સાંજના સમયે ટ્રાફિકજામ થવાની સમસ્યા સામે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરીને ટ્રાફિક જામની સમસ્યા હળવી બનાવવા પ્રયત્ન કરાય તેવી માંગણી લોકો કરી રહ્યા છે.
સુરત શહેરમાં વસ્તી સાથે વિસ્તારમાં વધારો થયો છે જેને લઈને ટ્રાફિક વિભાગમાં પણ મહેકમમાં વધારો કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં પહેલા એક નાયબ પોલીસ કમિશનર હતા તે જગ્યા પર હવે બબ્બે નાયબ પોલીસ કમિશનર ફરજ બજાવી રહ્યા છે. છતાં પણ સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યાનો નિકાલ થતો નથી. છેલ્લા પાંચ દિવસથી સુરત રેલવે સ્ટેશન પર સાંજના સમયે જવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. અડધો પોણો કલાક સુધી વાહન વ્યવહાર ટ્રાફિક માં જામ સમસ્યાને લઈને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત થી સુરત તરફ નોકરી માટે આવતા અપડાઉન વર્ગને ટ્રાફિક સમસ્યાને લઈને ટ્રેનો ચૂકી જવાના પણ બનાવો બની રહ્યા છે.
જેને લઇને અપડાઉન વર્ગના લોકોને ભારે નારાજગી ટ્રાફિક પોલીસ પર કાઢી રહ્યા છે. સુરત શહેરમાં ચાર રસ્તા ઉપર તેમજ અલગ અલગ વિસ્તારોમાં ઓટોરિક્ષા અને લારીઓનું દબાણ વધુ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે એ સત્ય હકીકત છે. સુરત શહેરના કાંગારૂ સર્કલ થી ગોડાદરા તરફ જવાના રોડ પર બપોરે સમયે અઢી કિલોમીટર સુધી લાંબી લારીઓની કતારો લાગે છે અને મુખ્ય રસ્તાની વચ્ચે લારી મૂકવામાં આવે છે, તેમજ વરાછા વિસ્તારમાં સરથાણા વિસ્તારમાં ખુલ્લેઆમ દબાણો કરવામાં આવ્યા છે પરંતુ ટ્રાફિક પોલીસને ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા કરતા માત્ર ને માત્ર સામાન્ય વાહનચાલકને કેવી રીતે હેરાન કરવામાં આવે એમાં રસ વધારે દેખાઈ રહ્યો છે.
શહેરમાં આજે ઠેક ઠેકાણે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. બેરીકેટ મુકવામાં આવ્યા છે. સ્ટેશન વિસ્તારમાં પણ બ્રિજની કામગીરીને લઈને ડાયવરઝ્ન આપવામાં આવ્યા છે. જેથી અહીં ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થાય એ સ્વાભાવિક છે. ત્યારે અહીં આ સ્થિતિ ને હળવી કરવા ટ્રાફિકના જવાનો રાખવામાં આવે તેવી માંગ છે. કારણ કે માર્કેટ વિસ્તારમાંથી કારીગરો છૂટવાના સમયે ભયંકર ટ્રાફિકજામની સર્જાય છે. જેથી ટ્રાફિક પોલીસ આ તરફ ધ્યાન આપે એવી લોકલાગણી છે.