Surat : ખજોદ ગામમાં આખરે દીપડો પકડાતા લોકોને રાહત, સેલ્ફી લેવા લોકોએ પાંજરા પાસે કરી પડાપડી

બે દિવસના ભયના ઓથારમાં રહેલા ખજોદનાં (Khajod )લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પણ દીપડા સાથે સેલ્ફી લેવા લોકોએ 10 કિલોમીટર સુધી દોડ પણ લગાવી હતી. 

Surat : ખજોદ ગામમાં આખરે દીપડો પકડાતા લોકોને રાહત, સેલ્ફી લેવા લોકોએ પાંજરા પાસે કરી પડાપડી
Leopard caught in Surat (File Image )
| Edited By: | Updated on: Jul 18, 2022 | 8:35 AM

સુરતના(Surat ) છેવાડાના વિસ્તાર ગણાતા ખજોદમાં શુક્રવારે (Friday )સવારે બાણફળિયા ખેતરમાંથી દીપડો (Leopard )દેખાતા ગભરાહટ ફેલાયો હતો. જેથી લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. તેમજ દિપડાને પકડવા માટે પાંજરૂ મુકવા સહીતની કાર્યવાહી કરવા પણ વન વિભાગને વિનંતી કરવામાં આવી હતી. ત્યાર બાદ જંગલ ખાતાએ અહીં પાંજરૂ ગોઠવીને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી. દરમિયાન રવિવારે મોડી રાત્રે શિકારની શોધમાં આવેલો દીપડો મારણની લાલચે પાંજરામાં ઘૂસ્યો હતો અને પકડાઇ ગયો હતો. આ દીપડાને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં.

નોંધનીય છે કે શુક્રવારે સુરતના છેવાડા વિસ્તારમાં આવેલ ખજોદ ગામમાં મોડી રાત્રે દીપડો દેખાયા પછી ભયનો માહોલ છવાયો હતો. દીપડો દેખાયાની ઘટના બાદ સમગ્ર ગામ સતર્ક થઇ ગયુ હતું. દીપડો ગામના કોઇ વ્યક્તિ કે પશુઓ પર હુમલો ન કરે તે માટે ગામના સરપંચ દ્વારા તાત્કાલિક સુરત વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ સુરત વન વિભાગની ટીમે ખજોદ ગામમાં ધામા નાખ્યા હતા. જે પછીવન વિભાગની ટીમ દ્વારા દીપડાની ચહલ પહલ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

દીપડાના ખજોદ ગામમાં આંટાફેરાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમને દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા હતા. જે પછી આ નિશાનના આધારે દીપડો જે દિશામાં ગયો હતો તે દિશામાં વન વિભાગે દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા હતા.

નવાઈની વાત એ છે કે, આ ગામમાં લોકોની અવરજવર વધુ હોય છે, છતાં પણ અહીં દીપડો ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે. જોકે  દીપડો કોઈ પણ હુમલો કરે તે પહેલા જ વન વિભાગ દ્વારા પાંજરા મૂકીને દીપડાને પકડવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં તેમને સફળતા પણ મળી હતી. વન વિભાગે મુકેલા પાંજરામાં દીપડો પકડાઈ જતા લોકોને પણ મોટી રાહત થઇ હતી.

ફોટો અને સેલ્ફી લેવા લોકોએ પડાપડી કરી :

દીપડો પકડાતા જ વન વિભાગે પાંજરા સાથે દીપડાને લઇ જવાની તૈયારી કરી હતી. તે સમયે લોકોએ દીપડાનો ફોટો પાડવા અને સેલ્ફી લેવા માટે ટોળામાં ભારે ભીડ કરી હતી. જેને કાબુમાં કરતા વન વિભાગને પણ પરસેવો પડી ગયો હતો. બે દિવસના ભયના ઓથારમાં રહેલા ખજોદનાં લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો. પણ દીપડા સાથે સેલ્ફી લેવા લોકોએ 10 કિલો મીટર સુધી દોડ પણ લગાવી હતી.